Gandhinagar, તા.12
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે અને સતત ઠંડીમાં વધારા સાથે સવારનું તાપમાન નીચુ આવી રહ્યું છે. આજે પણ અનેક સ્થળોએ સવારનું તાપમાન ર થી 3 ડિગ્રી જેટલું ઘટવા પામ્યું હતું. ખાસ કરીને સવારનું તાપમાન ઘટવા સાથે ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા હોય ઠંડીની તિવ્રતા વધુ અનુભવાઇ છે.
દરમ્યાન આજે પણ રાજકોટ સહિત અર્ધો ડઝન શહેરોમાં સવારે શીત લહેરો વચ્ચે 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ગિરનાર પર્વત ઉપર ફરી એકવાર તાપમાન નીચુ સરકયુ હતું અને 7.2 ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.
ખાસ કરીને રાજયમાં આજે સૌથી વધુ ઠંડી નલીયા અને અમરેલી ખાતે નોંધાઇ હતી. આજે સવારે નલિયામાં સતત બીજા દિવસે સિંગલ ડિઝીટ સાથે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયાવાસીઓએ હિમ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આજે સવારે અમરેલી ખાતે 10.4 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડનવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યાડરે આજે વ્હેવલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો હતો. આજે અમરેલી 10-4 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું છે.
અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્યી માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. જ્યારે આજે સવારે રાજકોટમાં 8 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ટાઢોડનો અનુભવ થયો હતો. તેમજ પોરબંદરમાં 12.3, વેરાવળમાં 16.2, અમદાવાદમાાં 13.1, વડોદરામાં 12.8, સુરતમાં 14.8, ભાવનગરમાં 15, ભુજમાં 14.5, દમણમાં 13.6, ડિસામાં 12.4, દિવમાં 13.6, ગાંધીનગરમાં 12.6, કંડલામાં 14.5 અને દ્વારકામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગીરનાર પર્વત ઉપર પારો ઘટીને 7.2 ડિગ્રીએ નીચે પહોંચી જવા પામ્યો છે. પ્રવાસીઓ ગીરનાર પર્વત ઉપર ઠુંઠવાતા ઠંડા પવનનો સામનો કરતા જોવા મળી રહ્યા છે.
ભવનાથ તળેટીમાં પણ પારો 10 ડિગ્રીએ નીચે જતો રહેતા ઠંડુ વાતાવરણ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. શહેરમાાં 12 ડિગ્રીએ પારો સવારે નીચે આવી જતા શીયાળાનો અહેસાસ થઇ રહ્યો છે.
ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા 24માં લઘુતમ તાપમાનમાં આશિક વધારા સાથે પારો 13 ડિગ્રી પહોંચી ગયો હતો.તો મહતમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ બીજા દિવસે પણ 63 ટકા સ્થિર રહ્યુ હતુ.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 2.9 કિમિ નોંધાઇ હતી.
તથા ભાવનગર શહેર અને ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. આજે શુક્રવારે ભાવનગર શહેર નું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% રહ્યું હતું .સવારે પવન ની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

