Mumbai,તા.27
ભારતના પૂર્વ ક્રિકેટર અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ICC મોટી ડિમાન્ડ કરી છે. રવિ શાસ્ત્રીએ ICC સમક્ષ ડિમાન્ડ કરતા કહ્યું કે, ‘ICCની કુલ કમાણીનો મોટો હિસ્સો ભારતને મળવો જોઈએ, કારણ કે ICCના ખજાનામાં સૌથી વધુ યોગદાન ભારતનું છે.’ 2024-27 ચક્રના મોડેલ પ્રમાણે ભારત વર્તમાનમાં ICCના કુલ આવકના 38.5% કમાય છે, જે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતા વધારે છે. તેમ છતાં રવિ શાસ્ત્રી તેમાં વધુ વધારો ઇચ્છે છે. શાસ્ત્રીનું કહેવું છે કે, ‘જ્યારે પણ ભારત વિદેશમાં રમે છે, ત્યારે ટીવી રાઈટ્સ અને કમાણીમાં ઘણો વધારો થાય છે. તેથી, એવું કહેવું સંપૂર્ણપણે વાજબી રહેશે કે ભારતને કમાણીનો મોટો હિસ્સો મળવો જોઈએ.’
એક ઈન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘ભારતને ICCની કુલ કમાણીનો મોટો હિસ્સો મળવો જોઈએ. જ્યારે પણ ભારત વિદેશમાં રમે છે, ત્યારે ટીવી રાઈટ્સ અને કમાણીમાં મોટો વધારો થાય છે. ટીવી દ્વારા થઈ રહેલી કમાણીના આંકડા ખુદ આ વાત સાબિત કરે છે. તેથી એવું કહેવું સંપૂર્ણપણે વાજબી રહેશે કે ભારતને કમાણીનો મોટો હિસ્સો મળવો જોઈએ.’
રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું કે, ‘મોટાભાગના પૈસા ભારતમાંથી આવે છે. આ બધું અર્થતંત્ર પર નિર્ભર કરે છે. જો કાલે કોઈ બીજા દેશની અર્થવ્યવસ્થા ભારત કરતાં વધુ મજબૂત બને છે, તો પૈસા ત્યાંથી આવશે. જેમ 70 અને 80ના દાયકામાં થતું હતું, તે સમયે કમાણીનો મોટો ભાગ બીજા કોઈ દેશમાં જતો હતો. તેથી ભારત માટે મોટો હિસ્સો માંગવો યોગ્ય છે.’
સદીની શરૂઆતથી જ ભારત ક્રિકેટના મામલે એક વૈશ્વિક શક્તિ બની ગયું છે, જેનો શ્રેય દેશમાં આ રમત પ્રત્યે લોકોની વધતી દિવાનગીને જાય છે. 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતથી ક્રિકેટ જગતમાં ભારતનો દરજ્જો વધુ ઊંચો થયો, કારણ કે T20 ફ્રેન્ચાઈઝ લીગના ગ્લેમરે વિશ્વભરના ટોચના ખેલાડીઓ અને વ્યવસાયોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.
ICCના રેવન્યુ મોડેલ પ્રમાણે 88%થી વધુ આવક 12 પૂર્ણ સભ્ય (ટેસ્ટ રમનારા) દેશો વચ્ચે વહેંચવામાં આવે છે. આમાંથી 48.2%નો મહત્ત્તવપૂર્ણ હિસ્સો રમતના ત્રણ શક્તિશાળી દેશ ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વહેંચાય છે. ભારત એકમાત્ર એવો દેશ છે જેને તેના હિસ્સાનો ટકાવારી બે આંકડામાં (38.5%) મળે છે.