New Delhi,તા.1
પહેલગામ હુમલામાં દોષિત આતંકવાદીઓ તથા તેમાં સંડોવાયેલા પાકિસ્તાન પર નિર્ણાયક પ્રહાર પુર્વે ભારત એક પછી એક આકરા કદમ ઉઠાવી જ રહ્યુ છે. હવે તાત્કાલીક અસરથી પાકિસ્તાનના તમામ વિમાનો માટે ભારતીય એરસ્પેશ બંધ કરી દીધી છે. 24 મે ની વ્હેલી સવાર સુધી આ નિયમ લાગુ થશે.
પહેલગામ હુમલા બાદ ભારતે પાડોશી દુશ્મનદેશને નિર્ણાયક પાઠ ભણાવવાનું જાહેર કરી જ દીધુ છે. ત્રાસવાદી હુમલાના દોષિતો-ષડયંત્રકારોને નહીં છોડવાનુ સમગ્ર વિશ્વને જણાવી દેવામાં આવ્યુ છે.
ભારતના આક્રમક મિજાજથી પાક ફફડી રહ્યું હોય તેમ ભારત ગમે ત્યારે ત્રાટકશે તેવી કાગારોળ પણ શરૂ કરી જ દીધી છે તેવા સમયે ભારતે પાકના તમામ વિમાનો માટે ભારતીય અવકાશી સરહદ બંધ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં નોંધાયેલા કે તેની માલિકી-લીઝ ધરાવતા કોઈપણ વિમાનો ભારતીય એરસ્પેશનો ઉપયોગ નહીં કરી શકે.
આ પુર્વે પાકિસ્તાન દ્વારા પોતાની એરસ્પેશ ભારતીય વિમાનો માટે બંધ કરી દેવામાં આવી હતી. ભારતે પાક-અફઘાનની અવકાશી સીમાને બાયપાસ કરતો વૈકલ્પિક માર્ગ અમલી બનાવી જ દીધો છે અને આ મામલે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવ્યા જ છે.
એરસ્પેશ બંધ કરતા પુર્વે પણ ભારતે ઝેર ઓકતી પાકની 16 જેટલી યુટયુબ ચેનલો બંધ કરી દીધી હતી. પાકિસ્તાનીઓના વિઝા રદ કરી નાખવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ ઘોષિત કરવા સાથે 48 પર્યટન સ્થળ બંધ કરી દીધા હતા.
પાકિસ્તાન પર નિર્ણાયક પ્રહાર પુર્વે સરહદે સૈન્ય ગતિવિધિ પણ તેજ બનાવી દેવામાં આવી જ છે. રાફેલ સહિતના યુદ્ધ વિમાનોનું પેટ્રોલીંગ પણ રાખવામાં આવ્યુ છે.પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક નિર્ણયો લઈ રહ્યું છે. બુધવારે સાંજે ભારતે પોતાના એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ કરી દીધા અને આજે સવારે પાકિસ્તાનના ISPR ઑફિશિયલ યુટ્યુબ ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. આ પહેલાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનની અનેક હસ્તીઓના યુટ્યુબ ચેનલ અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X બ્લોક કરી દીધું હતું.
ભારતમાં હવે ડોન સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ બ્લોક છે. ભારતે ભારતીય સેના, ભારત સરકાર, ભારતીય સુરક્ષા એજન્સી સામે ખોટી, ભ્રામક, જૂઠી અને ભડકાઉ સૂચનાઓ પ્રસારિત કરવાને લઈને પાકિસ્તાનના યુટ્યુબ અને X હેન્ડલને ભારત માટે બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં માહિરા ખાન અને હાનિયા આમીર પણ સામેલ છે. પ્રતિબંધિત પાકિસ્તાની હસ્તીઓમાં અલી ઝફર, સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઇકરા અઝીઝ, આયઝા ખાન, ઈમરાન અબ્બાસ અને સઝલ અલીના નામ પણ સામેલ છે.
પાકિસ્તાનના પ્રમુખ ચેનલ જેવા કે, હમ ટીવી, ARY ડિજીટલ અને જીયો ટીવી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.