New York,તા.16
સરેરાશ ઈન્ટરનેટ સ્પીડના મોરચે જોઈએ તો ભારત છેલ્લાં બે વર્ષમાં 93માં સ્થાનની છલાંગ લગાવીને વૈશ્વિક રેન્કિંગમાં 26માં સ્થાને પહોંચી ગયું છે. સાથે જ વૈશ્વિક સ્તરે ડેટા વપરાશની વાત કરવામાં આવે તો ભારત વિશ્વમાં નંબર વન છે.
કેટલાક અન્ય સૂત્રોના જણાવ્યાં અનુસાર, 2024 માં ભારતમાં સરેરાશ ડેટા વપરાશ વપરાશકર્તા દીઠ 24.6 જીબી હતો, જે 19 જીબીની વૈશ્વિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
ઓક્લા ઇન્ટરનેટ સ્પીડ ડેટાસેટ જણાવે છે કે, એપ્રિલ-જૂન 2025 ના સમયગાળામાં ભારતની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 136.53 એમબીપીએસ હતી. આ સપ્ટેમ્બર 2022 માં 119 મા સ્થાનેથી ભારતના રેન્કિંગમાં 93 પોઇન્ટનો સુધારો છે.
આ સમયે ભારતની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ 13.87 એમબીપીએસ હતી. રિપોર્ટ અનુસાર ભારત અન્ય મોટા વૈશ્વિક બજારો સાથે ઇન્ટરનેટ સ્પીડમાં ગેપને ઝડપથી બંધ કરી રહ્યું છે. આનું મુખ્ય કારણ દેશમાં 5G કવરેજનું ઝડપથી વિસ્તરણ છે.
≈ ચીન ડેટાની ઝડપમાં અમેરિકાથી આગળ
મોટા દેશોમાં અમેરિકા 176.75 એમબીપીએસ સ્પીડ સાથે 13મા ક્રમે અને ચીન 207.98 એમબીપીએસ સાથે 8માં ક્રમે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 5જી નેટવર્કનું વિસ્તરણ દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ એક્સપાન્શનમાંનું એક છે.
≈ વિશ્વમાં ડેટા વપરાશ
♦ ભારત : 32 જી.બી.
♦ ચીન : 29 જી.બી.
♦ યુએસએ: 22 જીબી
≈ ભારતમાં 5જી ટાવર્સનો હિસ્સો 57 ટકા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં કુલ ટેલિકોમ ટાવર્સમાં 5જી ટાવર્સનો હિસ્સો 57 ટકા છે. માર્ચ 2025 સુધીમાં, ભારતના 5જી ગ્રાહકોની સંખ્યા 326 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે કુલ વાયરલેસ કનેક્શનના 28 ટકા છે.
≈ ઈન્ટરનેટ સ્પીડમાં સિંગાપોર અને યુએઈ મોખરે
ઇન્ટરનેટ સ્પીડ આપવામાં દુનિયાનાં નાના દેશો સૌથી આગળ છે. ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો યૂએઈ સૌથી ઝડપી 539 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ છે, જ્યારે સિંગાપોર ફિક્સ્ડ ઈન્ટરનેટ સ્પીડના મામલે વિશ્વમાં સૌથી આગળ છે.
≈ એપ્સના ઉપયોગમાં સૌથી આગળ ભારતીયો
કન્સલ્ટન્સી કંપની ઇવાયના જણાવ્યાં અનુસાર, 2024 માં, ભારતીયોએ ફોન એપ્લિકેશન્સ પર દિવસના 4.9 કલાક વિતાવતા હતાં. જે 2023 કરતા 3.1 ટકા વધારે છે. એકંદરે, ભારતે ડિજિટલ પ્લેટફોર્મ પર 1.1 ટ્રિલિયન કલાકથી વધુ સમય વિતાવે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.