New Delhi,તા.25
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ડ્રોન દ્વારા છોડી શકાય તેવી લક્ષ્યભેદી મિસાઈલ (ULPGM)-V3 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં આવેલા નેશનલ ઓપન એરિયા રેન્જ (NOAR) માં કરવામાં આવ્યું.
આ મિસાઈલ આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા જોખમે દુશ્મનના ઠેકાણાંનો નાશ કરવાની ક્ષમતા છે. પરીક્ષણ દરમિયાન, મિસાઈલે તેની ગતિ, ચોકસાઈ અને લક્ષ્યભેદી ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDOને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ‘આ સફળતાના કારણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વેગ મળ્યો છે. DRDO એ UAV લોન્ચ્ડ પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલ (ULPGM)-V3 નું ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માટે DRDO, તેમના ઔદ્યોગિક ભાગીદારો, ડેવલપમેન્ટ કોમ્પિટન્ટ પ્રોડક્શન પાર્ટનર્સ, MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો) અને સ્ટાર્ટઅપ્સને ખૂબ ખૂબ અભિનંદન. આ સફળતા દર્શાવે છે કે ભારતીય ઉદ્યોગો હવે મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનીકનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે.’
ULPGM-V3 વર્ઝન, DRDO ની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા V2 વેરિઅન્ટનું એક એડવાન્સ વર્ઝન છે.
ULPGM સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે તે વજનમાં હલકી હોય, ખૂબ જ સચોટ હોય અને અલગ-અલગ પ્રકારના એરક્રાફ્ટ (હવાઈ પ્લેટફોર્મ) સાથે અનુકૂળ થઈ શકે.
– આ મિસાઈલ ખાસ કરીને માનવરહિત હવાઈ વાહનો એટલે કે UAV (ડ્રોન) દ્વારા લોન્ચ કરી શકાય છે, જેનાથી તે દુશ્મનની નજરથી બચીને ગુપ્ત હુમલા કરી શકે છે.
– આ મિસાઈલ ડ્રોનથી લોન્ચ થતી ત્રીજી પેઢીની સિસ્ટમ છે, જે તેને અગાઉના મોડલ કરતાં વધુ આધુનિક બનાવે છે.
– ULPGM-V3 માં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, GPS સ્પૂફિંગ અને લેસર-આધારિત નષ્ટ કરવાની ટેકનિક સામેલ છે, આ સિસ્ટમ ચાર કિલોમીટરની રેન્જમાં જોખમોને ઓળખીને નષ્ટ કરી શકે છે.
– V2 વેરિઅન્ટમાં ઘણા પ્રકારના વોરહેડ (શસ્ત્રોનો આગળનો ભાગ) લગાવવાની સુવિધા હતી, જ્યારે V3 માં વધુ એડવાન્સ ટેક્નોલોજી ઉમેરવામાં આવી છે. જેમ કે, ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર (લક્ષ્યને શોધનારું સેન્સર) અને ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ. જેના કારણે તેની રેન્જ અને મારક ક્ષમતા બંનેમાં વધારો થયો છે.