ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો
Leeds, તા.૨૧
લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૦ જૂનથી રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજા દિવસે(૨૧ જૂન) ૪૭૧ રને ઓલઆઉટ થઈ. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (૧૦૧), કેપ્ટન શુભમન ગિલ (૧૪૭) અને ઋષભ પંતે (૧૩૪) સદી ફટકારી હતી. જો કે ૪૩૦ના સ્કોર પર શુભમન ગિલની ચોથી વિકેટ પડ્યા બાદ ભારતે બાકીની તમામ ૬ વિકેટ ૪૧ રનના ટૂંકા ગાળામાં ગુમાવી દેતાં ટીમનો ધબડકો થયો હતો. મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો.
ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે ૧૪૬ બોલમાં ૧૦૦ રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે ૧૪૬ બોલ રમી, જેમાં ૧૦ ફોર અને ૪ સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં ૭ સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.
પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે. તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી ૧૫૮ બોલમાં ૧૦૧ રન ફટાકર્યા હતા. જેમાં ૧ સિક્સર અને ૧૬ ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ ૫મી સદી રહી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.
સુદર્શનને ટેસ્ટ કેપ ચેતેશ્વર પુજારાએ સોંપી. સુદર્શન ભારત તરફથી ટેસ્ટ રમનારા ૩૧૭માં ખેલાડી છે. જોકે, ૨૩ વર્ષીય સાઇ સુદર્શન પોતાની ડેબ્યૂ ઇનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. સાઇએ માત્ર ૪ બોલ રમ્યા અને શૂન્ય પર આઉટ થયો. સુદર્શને લેગ-સ્ટમ્પના બોલ પર ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટનું ટાઈમિંગ બરાબર ન રહ્યું અને બોલ સાઈડમાંથી પસાર સ્મિથની જમણી તરફ ગઈ, જ્યાં તેમણે કેચ પકડી લીધો.