રોમાંચ ભર્યા મેચમાં છેલ્લા બોલમાં ત્રણ રન જીત માટે કરવાના હતા, બે રન લેતા મેચ ટાઇ થઈ
સુપર ઓવરમાં સુંદરે બે રન આપી બે વિકેટ લીધી
ભારત તરફથી SKYએ પહેલા જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો : સુંદર પ્લેયર ઓફ ધી મેચ
Colombo,તા.31
ભારતે શ્રીલંકા સામેની 3 મેચની T20 સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. પલ્લેકેલેમાં શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં માત્ર 3 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને કેપ્ટન સૂર્યકુમારે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને વિજય મેળવ્યો હતો.
ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી અને મેચ ટાઈ થઈ ગઈ.
છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 6 રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યા પોતે બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે 6 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. તેણે બે વિકેટ પણ લીધી હતી. 19મી ઓવરમાં રિંકુ સિંહે 2 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 25 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી.
ભારતીય ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ભારતીય બોલરોની સામે શ્રીલંકાની ટીમ ઢેર થઇ ગઇ હતી. શ્રીલંકાની ટીમ છેલ્લી 5 ઓવરમાં 30 રન પણ બનાવી શકી ન હતી. શુભમન ગિલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ ભારતની જીતના હીરો હતા.
શુભમન ગિલ
ત્રીજી મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. પરંતુ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે ટીમની પારીને સંભાળીને રાખી હતી. ગિલે 105.41ની સ્ટ્રાઈક રેટથી 37 બોલમાં 39 રન બનાવ્યા હતા.
રિયાન પરાગ
ભારતીય ટીમનો મિડલ ઓર્ડર પણ ફ્લોપ સાબિત થયો હતો. પરંતુ શુભમન અને રિયાન પરાગે ટીમને સંભાળી હતી. 7મા નંબરે બેટિંગ કરવા આવેલા રિયાન પરાગે ઝડપથી રન બનાવ્યા હતા. તેને 144.44ની સ્ટ્રાઈક રેટથી 18 બોલમાં 26 રન બનાવ્યા હતા.
વોશિંગ્ટન સુંદર
સુંદરે મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેને 18 બોલમાં 25 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેણે 4 ઓવરમાં 5.8ની ઈકોનોમી સાથે 23 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. સુંદરે સુપર ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન શ્રીલંકાની ટીમ માત્ર 2 રન બનાવી શકી હતી અને સુપર ઓવરમાં ભારતને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
સૂર્યકુમાર યાદવ
બેટિંગમાં નિષ્ફળ રહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે બોલિંગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેને 20મી ઓવર પોતે જ નાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 6 રનની જરૂર હતી, પરંતુ સૂર્યાએ માત્ર 5 રન આપ્યા હતા. એટલું જ નહીં આ ઓવરમાં તેણે 2 વિકેટ પણ ઝડપી હતી.
રીંકુ સિંહ
શ્રીલંકાને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 9 રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે બધાને ચોંકાવી દે તેવો નિર્ણય લીધો હતો અને 19મી ઓવર રીંકુ સિંહને સોંપી હતી. રિંકુ બોલિંગે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેની બોલિંગના કારણે જ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.