Mexico, તા. 27
લેટીન અમેરિકન દેશ મેકસીકોમાં એક બંદુકધારીએ ફુટબોલ મેચ દરમ્યાન અંધાધુંધ ગોળીબાર કરીને 11થી વધુ લોકોની હત્યા કરી હતી. જયારે તેના ગોળીબારમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સેન્ટ્રલ મેકસીકોના સાલામાનકામાં એક સ્થાનિક ફુટબોલ મેચ દરમ્યાન મેદાનની અંદર ધસી ગયો હતો અને તેણે અનેક વાહનો પર અને મેચ સમયે હાજર રહેલા લોકો પર અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
સ્થાનિક મેચ પુરો થયા બાદ લોકો પરત જઇ રહ્યા હતા તે સમયે અચાનક થયેલા ગોળીબારના કારણે જબરી અફડાતફડી ફેલાઇ ગઇ છે અને અંદાજે 100 જેટલા ગોળીબારના રાઉન્ડ કર્યા હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાદમાં ગનમેન નાસી જવામાં સફળ રહ્યો હોય તેવું માનવામાં આવે છે. પોલીસે તેની શોધ માટે ટુકડીઓ રવાના કરી છે અને ઇજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. આ હત્યા પાછળ ગનમેનના ઇરાદા અંગે હજુ સુધી કોઇ માહિતી બહાર આવી નથી.

