New Delhi,તા.7
ફૂગાવાના સરકારી આંકડા ભલે નીચા આવતા હોય પરંતુ વાસ્તવિક મોંઘવારી આસમાને છે.હોટેલ-રેસ્ટોરામાં જ નહીં પરંતુ ઘરમાં બનતુ ભોજન પણ 20 ટકા મોંઘુ થઈ ગયુ છે.રેટીંગ એજન્સી ક્રિસીલનાં અહેવાલ મુજબ ઘરમાં બનતી વેજ થાળી એક વર્ષમાં 20 ટકા તથા નોન-વેજ થાળી પાંચ ટકા મોંઘી થઈ છે અને તે માટે શાકભાજી સહીતની ખાદ્યચીજોના ઉંચા ભાવ જવાબદાર છે.
રીપોર્ટમાં જણાવાયા મુજબ ઓકટોબરમાં જ ડુંગળીમાં વાર્ષિક ધોરણે 46 ટકા તથા ટમેટામાં 51 ટકાનો ભાવ વધારો છે.સપ્ટેમ્બરનાં ભારે વરસાદથી પાક બગડતા આ સ્થિતિ છે.વેજીટેબલ થાળીનો 40 ટકા ખર્ચ શાકભાજી આધારીત છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ભારે વરસાદથી પાકને અસર હતી બટેટાનાં સ્ટોકમાં પણ ઘટાડો થયો હતો.
ડુંગળી, બટેટા તથા ટમેટામાં વિવિધ કારણોસર મોટો ભાવ વધારો થયો હતો.
ગત વર્ષનાં ઓકટોબરમાં 29 રૂપિયાના કિલો ટમેટા આ ઓકટોબરમાં સરેરાશ 64 હતા.મહારાષ્ટ્ર, કર્ણાટક, તથા આંધ્રપ્રદેશમાં ઉત્પાદનને ફટકો હતો. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા હિમાચલની આવકોથી ભાવ સ્થિર થવાની સંભાવના છે.
દેશના દરેક ભાગોની કિંમત મેળવીને સરેરાશ ભાવ નકકી કરવામાં આવ્યા હતા. વેજ થાળીમાં રોટી, શાકભાજી, દાળ-ભાત દહી તથા સલાડને ગણતરીમાં લેવામાં આવે છે.
રીપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, વર્ષ દરમ્યાન રાંધણ ગેસનાં ભાવમાં થોડી રાહત હતી અન્યથા થાળીની કિંમત વધુ ઉંચી થવાની શંકા હતી.
ડુંગળીમાં વધુ ભાવ વધારો: કિંમત પાંચ વર્ષની ઉંચાઈએ
દેશની સૌથી મોટી માર્કેટમાં કવીન્ટલનો ભાવ રૂા.5400
ડુંગળીનાં ભાવોમાં છેલ્લા કેટલાંક વખતથી સતત વધારો થઈ રહ્યો છે અને હવે હોલસેલ માર્કેટમાં તે પાંચ વર્ષની ઉંચાઈએ પહોંચ્યા છે. ભારતની સૌથી મોટી લસલગાંવ માર્કેટમાં ડુંગળીનો કવીન્ટલનો ભાવ 5400 થયો હતો જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ છે.આ પુર્વે 10 ડીસેમ્બર 2019 માં રોજ આવો ભાવ થયો હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે સપ્લાયમાં મોટો ઘટાડો થતા ભાવ ઉંચકાયા હતા. સામાન્ય રીતે દરરોજ 15000 કવીન્ટલની આવક રહેલી હોય છે. જે ઘટીને માત્ર 3000 કવીન્ટલની રહી ગઈ છે.નવો પાક હજુ જોરશોરથી ઠલવાતો નથી. પાકને વ્યાપક નુકશાન પણ થયુ છે. આવક વધતા હજુ એકાદ મહિનો લાગી શકે તેમ છે. જુનો પાક લગભગ ખતમ થઈ ગયો છે.
છેલ્લા અઢી મહિનાથી ડુંગળીનાં ભાવમાં સરેરાશ 50 ટકાનો વધારો થયો છે કવીન્ટલનાં રૂા.3600 થી વધીને 5400 થયો છે. બુધવારે યાર્ડમાં ડૂંગળીના ભાવ નીચામાં 3951 તથા ઉંચામાં 5656 રહ્યા હતા.