Mumbai,તા.06
કેન્દ્ર સરકારે મધ્યમ અને નિમ્ન વર્ગના લોકોને મોંઘવારીમાં રાહત આપવા ચાલુ કરેલી સસ્તા દરે અનાજ પ્રદાન કરવાની સ્કીમનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. જેમાં તે ‘ભારત’ બ્રાન્ડ હેઠળ સસ્તા દરે ઘઉંનો લોટ અને ચોખાનું વિતરણ કરશે. આ સિવાય દાળ, અને ડુંગળીનું વિત્તરણ પણ કરવામાં આવે છે.
30 રૂપિયે કિલો મળશે લોટ
આજથી શરૂ થયેલા આ બીજા તબક્કામાં સહકારી સમિતિઓ નાફેડ (NAFED), ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ (NCCF), કેન્દ્રીય ભંડાર અને ઈ-કોમર્સ વેબસાઈટ્સ મારફત 30 રૂપિયે કિલો ઘઉંનો લોટ અને રૂ. 34 પ્રતિ કિગ્રાના દરે પાંચથી દસ કિગ્રાના પેકેટમાં ચોખા વેચવામાં આવશે. ગ્રાહકો ઉપરોક્ત દર્શાવવામાં આવેલા સમિતિઓના સ્ટોર અને મોબાઈલ વાન પરથી સસ્તા દરે ખરીદી કરી શકશે.
34 રૂપિયે કિગ્રાના દરે મળશે ચોખા
સરકારે બીજા તબક્કામાં ખાદ્ય નિગમ મારફત 3.69 લાખ ટન ઘઉં અને 2.91 લાખ ચોખાનું સસ્તા દરે વિત્તરણ કરશે. જેમાં ચોખાની કિંમત રૂ. 34 પ્રતિ કિગ્રા છે. આ અંગે ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ વી. જોષીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફાળવવામાં આવેલો ભંડાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિત્તરણ ચાલુ રહેશે. અમારી પાસે પર્યાપ્ત પુરવઠો છે, જેનું અમે પુનઃ વિત્તરણ કરીશું. આ સ્કીમનો ઉદ્દેશ ગ્રાહકોને રાહત આપવા અને બજારની કિંમતોને નિયંત્રિત કરવાનો છે.
સરકારે બીજા તબક્કામાં ભાવ વધાર્યા
કેન્દ્ર સરકારે ફુગાવાને ધ્યાનમાં લેતાં બીજા તબક્કામાં સસ્તા દરે અનાજ આપવાના ભાવમાં ફેરફાર કર્યો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ઘઉંનો લોટ રૂ. 27.5 પ્રતિ કિગ્રા અને ચોખા રૂ. 29 પ્રતિ કિગ્રાના ભાવે વેચી હતી. જેનો ભાવ વધી ક્રમશઃ રૂ. 30 પ્રતિ કિગ્રા અને રૂ. 34 પ્રતિ કિગ્રા કરવામાં આવ્યો છે.
જૂનમાં 14.58 લાખ ટન ચોખાનું વિત્તરણ
ગતવર્ષે ઓક્ટોબર, 2023થી માંડી 30 જૂન, 2024 દરમિયાન આયોજિત પ્રથમ ચરણમાં 15.20 લાખ ટન ઘઉંનો લોટ અને 14.58 લાખ ટન ચોખાનું વિત્તરણ સસ્તા દરે કરવામાં આવ્યું હતું. સરકારના સતત હસ્તક્ષેપથી પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ રહેવાના આશાવાદ સાથે જોષીએ ભવિષ્યમાં પણ આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી છે.