New Delhi,તા.23
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં હવે અમેરિકાના કુદી પડવાથી આ લડાઈ હવે લાંબો સમય ચાલવાની આશંકા વધી ગઈ છે. ભારતની દ્દષ્ટિએ જોવામાં આવે તો આ સંઘર્ષ વેપારના મોરચે ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આથી માત્ર ઈઝરાયેલ અને ઈરાન સાથે વેપારને અસર થશે, બલકે પશ્ર્ચિમ એશિયાઈ દેશોની સાથે પણ ભારતના વેપાર પર વ્યાપક અસર પડી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, યુદ્ધ લાંબુ ચાલવાથી હોર્મુજ જલડમરુમધ્ય અને લાલ સાગર ક્ષેત્રમાં વાણિજિયક જહાજોની અવર-જવરને અસર થઈ શકે છે. આ પરીસ્થિતિમાં માલનું પરિવહન મોંઘુ થશે અને દેશમાં મોંઘવારી વધી શકે છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે 80 ટકા વેપાર લાલ સાગરના માધ્યમથી થાય છે. અમેરિકા સાથે પણ ઘણી માત્રામાં વેપાર આ માર્ગથી થાય છે.
બન્ને ક્ષેત્ર ભારતની કુલ નિકાસમાં 34 ટકા ભાગીદારી રાખે છે. આ ક્ષેત્રના મહત્વને કંઈક આ રીતે પણ સમજી શકાય છે કે લાલ સાગર સમુદ્રી માર્ગના માધ્યમથી વિશ્વના 30 કન્ટેનર ટ્રાફિક અને 12 ટકા વૈશ્વિક વેપાર થાય છે. યુદ્ધની સ્થિતિમાં લાલ સાગરને અસર થવાથી વૈશ્વિક વેપાર પર તેની અસર પડશે અને હવાઈ અને સમુદ્રી માલ ભાડાની કિંમત વધશે.
બીજી બાજુ ભારતનુ લગભગ બે તૃતિયાંશ કાચુ તેલ (ક્રુડ ઓઈલ) અને અડધાથી વધુ એલએનજી આયાત જલડમરુમધ્યથી થઈને થાય છે, જેને હવે ઈરાને બંધ કરવાની ધમકી આપી છે. આ જલમાર્ગ માત્ર 21 માઈલ પહોળો છે, વૈશ્વિક તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ આ માર્ગથી થઈને પસાર થાય છે.
વધુ સમય લાગશે: ભારતીય નિકાસ સંગઠનોના મહાસંઘ (ફિયો)ના મહાનિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી અજય સહાય કહે છે કે યુદ્ધને લઈને લાલ સાગર અને હોર્મુજ જલડમરુમધ્ય માર્ગને અસર થશે. જેના કારણે ભારતનું માલ પરિવહન કેપ ઓફ ગુડ હોપ માર્ગ (આફ્રિકા)થી કરવું પડશે. આથી યુરોપ, મધ્યપુર્વ અને અમેરિકા સુધી જનારા સમુદ્રી જહાજોને 14થી20 દિવસનો વધારાનો સમય લાગશે.
સંચાલન સીમીત થવાથી કિંમતોમાં વધારાની સંભાવના: વિશેષજ્ઞોના અનુસાર યુદ્ધની સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ, પોતાના વાણિજિયક જહાજોનું સંચાલન સીમીત કરી નાખશે. યુદ્ધ અને સામાન્ય કાર્ગો ઈુસ્યોરન્સ પણ હવે મોંઘો થઈ જશે.
આ બધાના કારણે માલ પરિવહનના ભાવ ઝડપથી વધશે. તેલથી માંડીને અન્ય વસ્તુઓ મોંઘા ભાવે આયાત-નિકાસ થશે, તેથી સીધી રીતે કિંમતો પર ભારે વધારો થઈ શકે છે.
ભારત પર પડી શકે છે અસર: યુદ્ધ દરમિયાન નિકાસ સાથે જોડાયેલા માર્ગને અસર થવાથી નિકાસ ખર્ચ વધશે. નિકાસ ખર્ચ વધવાથી વસ્તુઓની કિંમત વધવાથી ભારતમાં મોંઘવારી વધશે.
યુદ્ધની સ્થિતિમાં રૂપિયા પર દબાણ પડશે અને સરકારની નાણાકીય યોજનાઓમાં મુશ્કેલી આવી શકે છે. જહાજ પરિવહન અને કન્ટેનર સાથે સંકળાયેલી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
બન્ને દેશો સાથે કેટલો વેપાર: વર્ષ 2024-25માં ઈઝરાયેલને ભારતે 2.1 અબજ ડોલરની નિકાસ કરી, જયારે આયાત 1.6 અબજ ડોલર રહી હતી. ગત નાણાકીય વર્ષમાં ઈરાન સાથે ભારતની આયાત 441.8 અબજ ડોલર હતી.
આ દેશો સાથે પણ અસર: વ્યાપક ક્ષેત્રીય તણાવથી ઈરાક, જોર્ડન, લેબનાન, સીરિયા અને યમન સહિત પશ્ચિમ એશિયાઈ દેશો સાથે પણ ભારતના વેપાર પર વ્યાપક અસર પડશે.
ક્રુડઓઈલના સંકટને નિવારવા ભારતે વ્યવસ્થા કરી
ભારતે રશિયા અને અમેરિકાથી તેલની આયાત વધારી દીધી: ભારતનો ઈંધણ પુરવઠો સુરક્ષિત, ચિંતાની જરૂર નથી: કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી
નવી દિલ્હી: અમેરિકી હુમલા બાદ ઈરાનની સંસદે હોર્મુજ જલડમરુમધ્યને બંધ કરવાના પ્રસ્તાવને મજુરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવ ઈરાનની સર્વોચ્ચ સંસ્થાને મોકલવામાં આવશે. જે અંતિમ નિર્ણય સંભળાવશે.
જો ઈરાને હોર્મુજ જલડમરુમધ્યને બંધ કર્યું તો તેની વૈશ્ર્વિક અસર જોવા મળી શકે છે. જો કે ભારતે આ સ્થિતિના નિકાલ માટે તૈયારી કરી લીધી છે.
ભારતની કુલ તેલ આયાતનો મોટો ભાગ આ જલડમરુમધ્યથી થઈને આવે છે. ભારત 90 ટકા કાચા તેલની જરૂરિયાતો પુરી કરવા માટે આયાત પર નિર્ભર છે અને પ્રાકૃતિક ગેસનો અડધો ભાગ વિદેશથી ખરીદે છે. ભારતે રશિયા અને અમેરિકાથી તેલની આયાત વધારી દીધી છે. બ્રાઝીલ અને અન્ય વૈકલ્પિક સ્ત્રોત કોઈ કમીને પુરી કરવા સરળતાથી ઉપલબ્ધ છે.
ભારતની તૈયારી: રશિયન તેલને હોર્મુજ જલડમરુમધ્યથી અલગ રાખવામાં આવ્યું છે, જે સુએજ નહેર, કેપ ઓફ ગુડ હોય કે પ્રશાંત મહાસાગરથી થઈને આવે છે. જયારે અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકાથી પણ તેલ મંગાવી શકાય છે.
જો કે તે મોંઘુ પડી શકે છે. કતર ભારતનુ મુખ્ય તેલ સપ્લાયર છે. તે હોર્મુજ જલડમરુમધ્યનો ઉપયોગ નથી કરતું. ઓસ્ટ્રેલિયા, રશિયા અને અમેરિકામાં ભારતના તરલીકૃત પ્રાકૃતિક ગેસનું અન્ય સ્ત્રોત પર પણ કોઈ અસર નહીં થાય.
રણનીતિ: ભારતની જેલ આયાત રણનીતિ બે વર્ષથી લચીલી (ફલેકસીબલ) બની છે. ભારતે ઋણમુક્તિ અને પેમેન્ટ સિસ્ટમને અનુકુળ બનાવીને વૈકલ્પિક સ્ત્રોતોથી ખરીદવા પોતાને સક્ષમ બનાવ્યુ છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે ભારતને ઈંધણ પુરવઠો સુરક્ષિત છે અને આમ લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
ક્રુડ ઓઈલની આયાત વધારાઈ: ભારતે જૂનમાં ક્રુડ ઓઈલની આયાત વધારી દીધી છે. ભારતીય રિફાઈનરી કંપનીઓ જૂનથી દરરોજ 20થી22 લાખ બેરલ ક્રુડ ઓઈલ ખરીદી રહી છે. આ બે વર્ષનો સૌથી ઉંચો આંકડો છે. આ ઈરાક, સાઉદી અરબ, યુએઈ અને કુવૈતથી ખરીદવામાં આવેલ માત્રાથી ઘણી છે.
મે મહિનામાં રશિયાથી ભારતની તેલની આયાત 19.6 લાખ બેરલ દરરોજ હતી. જૂનમાં અમેરિકાથી પણ તેલની આયાત વધીને 4,39,000 બીપીડી થઈ ગઈ.