New Delhiતા.5
સોનાના ભાવમાં કેટલાંક વખતથી રેકોર્ડબ્રેક તેજી છે તે સામાન્ય વર્ગની પહોંચની બહાર બન્યુ છે. પ્રસંગો માટે પણ હલ્કા વજનની જવેલરી પસંદ થવા લાગી છે. તેવા સમયે હવે સ્પર્ધા કે શૈક્ષણીક જેવા ક્ષેત્રોમાં અપાતા ‘ગોલ્ડ મેડલ’માં પણ બદલાવ આવવા લાગ્યો છે. સોનાની ઉંચી કિંમતને પગલે હવે ગોલ્ડ મેડલનાં સ્થાને ‘રોકડ’ ઈનામોનો ટ્રેન્ડ શરૂ થયો છે.
દેશની પ્રતિષ્ઠિત સંસ્થા જુદા જુદા 14 શૈક્ષણીક પ્રતિષ્ઠાનોમાં મોખરે આવતા વિદ્યાર્થી-લોકોને છેલ્લા બે દાયકાથી ગોલ્ડ મેડલ આપીને સન્માનીત કરી હતી. આ પરંપરા હવે બંધ કરી દીધી છે.
આ વર્ષે ગોલ્ડ મેડલ આપવાનાં બદલે રૂા.25000 નું રોકડ ઈનામ આપવાનું શરૂ કર્યું છે. રોકડ નાણા વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં ઉપયોગી બને તેવી દલીલ કરવામાં આવી છે.
નાની પાલખીવાલા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા નેશનલ લો યુનિવર્સીટી મુંબઈ-પુના યુનિવર્સીટી જેવી શૈક્ષણીક સંસ્થાઓમાં એલએલએમ જેવા અભ્યાસક્રમોમાં મોખરે રહેતા વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલ આપીને સન્માન કરાયું હતું.
સંસ્થાના ટ્રસ્ટીએ ક્હ્યું કે, સોનાની કિંમત વધી છે. જયારે નીચા વ્યાજદરથી ટ્રસ્ટના રોકાણની આવકમાં ઘટાડો છે.વિદ્યાર્થીઓનાં મંતવ્યો મેળવ્યા હતા. તેઓએ પણ સુચવ્યુ હતું કે શિક્ષણ માટે નાણાંની જરૂર હોય તો પણ કોઈ ગોલ્ડ મેડલ વેચતુ નથી. વિકલ્પમાં રોકડ ઈનામની પ્રથા શરૂ કરી શકાય જેને પગલે આ નિર્ણય લેવાયો છે.
નાની પાલખીવાલા ટ્રસ્ટ દ્વારા 2004 થી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપવાનું શરૂ કરાયું હતું. મેડલમાં શૂદ્ધ સોનું ઉપયોગમાં લેવાતું હતું. નાની પાલખીવાલા જાણીતા વકીલ અને બંધારણીય નિષ્ણાંત હતા. 2002 માં 82 વર્ષની ઉંમરે અવસાન થયુ હતું તેમની સ્મૃતિમાં એવોર્ડ આપવાનું શરૂ થયુ હતું.