New Delhiતા.11
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર જૂનમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ)માં ચોખ્ખો પ્રવાહ 24 ટકા વધીને રૂ.23,587 કરોડ થયો છે. આનાથી સતત પાંચ મહિનાથી ચાલી રહેલી ઉપાડની પ્રક્રિયાનો ભંગ થયો છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)એ બુધવારે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ચોખ્ખો પ્રવાહ સતત 52મા મહિને સકારાત્મક રહ્યો છે, જે રોકાણકારોના સતત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જૂનમાં રૂ.23,587 કરોડનો ઇનફ્લો જોવાયો હતો, જે મે મહિનામાં રૂ.19013 કરોડ હતો. આ પહેલાં ડિસેમ્બરમાં 41,156 કરોડનું રોકાણ થયું હતું.
આ પછી શેરબજારમાં તેજ ગતિવિધીના કારણે તેમણે ઘટાડાનો સમયગાળો શરૂ કર્યો હતો, પરંતુ જૂન મહિના દરમિયાન બજારનું વળતર મળવાને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં ફરી એક વખત નેટ રોકાણમાં વધારો થયો છે.
એસઆઈપીમાં ફરી ટ્રેન્ડ વધ્યો
એમ્ફી દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)માં સમીક્ષાધીન મહિના દરમિયાન રૂ.27,269 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ.26,688 કરોડ હતો. ઇક્વિટી-લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ્સ એકમાત્ર એવી કેટેગરી હતી જેમાં રૂ.556 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો.
બે લાખ કરોડથી વધુની સંપત્તિમાં વધારો
એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જૂનમાં રૂ. 49,000 કરોડથી વધુનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ. 29,000 કરોડ હતો. આ રોકાણથી, ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) જૂન સુધીમાં વધીને રેકોર્ડ 74.4 ટ્રિલિયન રૂપિયા થઈ ગઈ છે.
કયા મહિનામાં કેટલું રોકાણ
નવેમ્બર : 35,943 કરોડ
ડિસેમ્બર : 41156 કરોડ
જાન્યુઆરી : 39,688 કરોડ
ફેબ્રુઆરી : 29303 કરોડ
માર્ચ : 25082 કરોડ
એપ્રિલ : 24269 કરોડ
મે : 19013 કરોડ
જૂન : 23587 કરોડ
ફ્લેક્સી ફંડમાં સૌથી વધુ રકમનું રોકાણ
ડેટા મુજબ જૂનમાં મોટા ભાગના ઇક્વિટી સેગમેન્ટમાં સારું રોકાણ જોવા મળ્યું હતું. ઇક્વિટી ફંડ કેટેગરીમાં ફ્લેક્સી-કેપ ફંડ્સે જૂનમાં સૌથી વધુ રૂ.5,733 કરોડનો ઇનફ્લો આકર્ષ્યો હતો.
આ ઉપરાંત સ્મોલ કેપ ફંડ્સમાં રૂ.4024 કરોડ અને મિડ-કેપ ફંડ્સમાં રૂ.3754 કરોડનો મજબૂત ઇનફ્લો હતો. આ ઉપરાંત લાર્જ-કેપ ફંડમાં રૂ.1,694 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.
શું કહે છે નિષ્ણાતો
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ઉછાળો રોકાણકારોમાં આત્મવિશ્વાસની નવી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેને તમામ ક્ષેત્રોમાં મજબૂત ઇક્વિટી માર્કેટના પ્રદર્શનદ્વારા ટેકો મળ્યો છે.
નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઉછાળો અને મિડ-કેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં વધુ મજબૂત તેજી સહિત વ્યાપક બજાર લાભે ઇક્વિટી રોકાણોમાં રસ પુનજીર્વિત કરવામાં મદદ કરી છે.
ગોલ્ડ ઇટીએફમાં એક મહિનાની અંદર છ ગણું રોકાણ
ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં જૂનમાં રોકાણકારોના રસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને રૂ.2081 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું, જે જાન્યુઆરી પછીનો સૌથી ઊંચો માસિક પ્રવાહ છે. મે મહિનામાં તેણે 292 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
જાણકારોનું કહેવું છે કે, સોનાનાં વધતાં ભાવને કારણે રોકાણકારોનો ગોલ્ડ ઇટીએફ પ્રત્યે રસ વધ્યો છે. બીજી તરફ ડેટ ફંડ્સમાં સમીક્ષાધીન મહિનામાં રૂ.1,711 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે મે મહિનામાં રૂ.15,908 કરોડ હતો.