New Delhi,તા.24
ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહને બાદ કરો તો જે રીતે મંદીએ ભરડો લઈ લીધો હતો અને સ્ક્રીપ્ટની માર્કેટ કેપમાં મોટા ધડાકા થયા હતા તે પછી હવે નાના રોકાણકારો જે પોતાની બચતને અગાઉ શેરબજારમાં રોકીને ફસાયા હતા.
તેઓ ફરી બેન્ક થાપણો ભણી વળ્યા છે અને બેન્કો માટે પણ તે એક રાહત હશે જે લાંબા સમયથી વધતી જતી ધિરાણ માંગ તથા ઘટતી જતી થાપણોમાં ફંડની મુશ્કેલી અનુભવતી હતી. શેરબજારમાં હજું મંદી પુરી થવાનું નિશ્ચિત નથી અને બેન્કોએ થાપણોના વ્યાજદરમાં હજું ઘટાડો પણ કર્યો નથી.
તેથી થાપણો હજું પણ આકર્ષક છે. રીઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ માર્ચ 2022માં બેન્કોની વિવિધ જમા યોજનામાં થાપણોનો જે હિસ્સો ઘટતો જતો હતો. રિપોર્ટ મુજબ માર્ચ 2024માં બેન્કોએ 7-8%ના વ્યાજદરમાં થાપણો જે 58.9% હતી તે વધીને 64.9% થઈ ગઈ છે. માર્ચ 2022માં તો તે ફકત 2.8% જ હતી.
8% કે તેથી વધુ વ્યાજ જે મર્યાદીત વર્ગને જ અપાય છે તેઓ પાસે 2024ના સમયે કુલ થાપણના 5.5% હતી તે હવે 5.9% થઈ છે. અત્રે એ યાદ રાખવું ઘટે કે ગત વર્ષે મીડ બાદ શેરબજારમાં ઘટાડો શરૂ થયો હતો. જો કે ઓછા વ્યાજ આપતી એફડીની રકમમાં જમા થાપણો ઘટી છે.
5% કે તેથી આછા વ્યાજદરમાં માર્ચ 2022માં 34.3% થાપણો હતી તે ઘટીને ડિસે.2024ના 2.9% થઈ ગઈ છે. બેન્કમાં લાંબાગાળાની થાપણો વધુ મહત્વની છે જેના પરથી બેન્કો તેમના ધિરાણ કેલેન્ડર નિશ્ર્ચિત કરી શકે છે. શેરબજાર વિ.માં નાણા બંધાઈ જવાથી બેન્કોને થાપણો-ધિરાણ વચ્ચેનો ગેપ વધવા લાગતા તેમને માટે ધિરાણ માટેના નાણાની સમસ્યા ઉભી થઈ હતી.
તેનાથી રિઝર્વ બેન્કને પણ સીસ્ટમમાં લીકવીડીટી ઉમેરવી પડી હતી અને થાપણો વધુ આકર્ષક બનાવવા બેન્કોને જણાવવુ પડયુ હતું. બીજી તરફ નિષ્ણાંતો કહે છે કે વધું વ્યાજ આપતી થાપણોમાં વધારો એ અનેક કારણોથી થયો છે.
10 માસ શેરબજારમાં ઉથલપાથલનો દૌર રહ્યો છે. લોકોએ ખાસ કરીને રીટેલ ઈન્વેસ્ટરોએ નુકસાન પણ સહન કર્યા છે. ઉપરાંત વ્યાજદર સ્થીર રહેવાથી બેન્કોની એફડીમાં કોઈ આકર્ષણ સર્જાયુ ન હતું.
બીજી તરફ બેન્કો પણ ધિરાણ લેવા માટેની સંખ્યા વધતી ગઈ છે અને તેમાં પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ લોન ધિરાણ વધી ગયા છે અને બેન્કોને તેથી જ થાપણો મોટી ચિંતા હતી.