New Delhi,તા.13
વાનખેડેના મેદાન પર RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ ટક્કરમાં વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. કોહલી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ફેંકતો જોવા મળી રહ્યો છે.
કોહલીએ આ મેચમાં 38 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેના પછીના જ બોલે તે આઉટ થઈ ગયો હતો.
હાર્દિક પંડ્યાના ફુલ ટોસ બોલ પર કોહલીએ હવામાં શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાઈમિંગ યોગ્ય રહ્યું ન હતું. શોટ દરમિયાન બેટ તેના હાથમાં ફરી ગયું અને બોલ સીધો લોંગ-ઓન પર ઉભેલા સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો.
આઉટ થયા બાદ કોહલી ઘણો નિરાશ દેખાતો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ ફેંકી દીધા અને પછી હેલ્મેટ પણ જમીન પર પછાડી દીધું. તેની આ પ્રતિક્રિયા સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની ઇનિંગને વધુ મોટી બનાવવા માંગતો હતો, પરંતુ જલ્દી આઉટ થવાને કારણે તે ભારે ગુસ્સામાં હતો.

