New Delhi,તા.07
આઈપીએલ 2026માં છગ્ગાનો એવો વરસાદ થઈ રહ્યો છે કે હવે બાઉન્ડ્રીની બહાર બોલનું પડવું એ ‘અસાધારણ’ નહીં, પરંતુ એક ‘સામાન્ય ઘટના’ બની ગઈ છે. આંકડા સાક્ષી છે કે આ સીઝનમાં દર 12.3 બોલ પર એક છગ્ગો લાગી રહ્યો છે, જે 2022 માં દર 16.3 બોલ પર એક છગ્ગાની સરખામણીએ આ 32 ટકા વધારે છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે દરેક છગ્ગો ટીમને જીતની નજીક એક સમાન રીતે લઈ જતો નથી.
છગ્ગો 6 રનનો, પણ કિંમત માત્ર 1.5!
ક્રિકેટનાં આ નવા ગણિતને સમજવા માટે `પ્રોજેક્ટેડ સ્કોર’ પર નજર નાખવી જરૂરી છે. ધારો કે એક ટીમ 18 ઓવરમાં 2 વિકેટે 190 રન બનાવી ચૂકી છે અને 240 સુધી પહોંચવાના માર્ગ પર છે. આવા સમયે જો કોઈ છગ્ગો મારે છે ત્યારે 6 રન તો ઉમેરાય છે, પરંતુ મેચના સંભવિત પરિણામ પર તેની અસર માત્ર 1.5 રન બરાબર હોય છે.
આવું એટલા માટે કારણ કે મોડલ પહેલેથી જ તે સ્થિતિમાં ઝડપથી રન બનવાની અપેક્ષા રાખતું હતું. એટલે કે, દરેક છગ્ગો પોતાની પૂરી કિંમત (6 રન) બરાબર `પ્રભાવ’ પેદા કરી શકતો નથી.
કોણ છે અસલી સિક્સર કિંગ?
આ સત્રમાં વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 37 છગ્ગા માર્યા છે, જે પાવરપ્લેમાં મજબૂત પાયો નાખે છે. પરંતુ `વેલ્યુ’ની બાબતમાં મિશેલ માર્શ સૌથી આગળ છે. તેમના છગ્ગાની સરેરાશ કિંમત 5.88 રન છે, કારણ કે તેઓ ત્યારે છગ્ગો મારે છે જ્યારે ટીમ સંકટમાં હોય છે અને મેચનું પાસું પલટવાનું હોય છે. આ સ્પષ્ટ કરે છે કે છગ્ગો મારવો એ કૌશલ્ય છે, પરંતુ યોગ્ય સમયે છગ્ગો મારવો એ એક કલા છે.
પાવરપ્લે કે ડેથ ઓવર્સ, ક્યાંનો છગ્ગો કિંમતી?
એવી સામાન્ય માન્યતા છે કે અંતિમ ઓવરોના છગ્ગા સૌથી કિંમતી હોય છે, પરંતુ ડેટા કંઈક અલગ જ કહે છેઃ
પાવરપ્લેનો છગ્ગો
અહીં એક છગ્ગાની સરેરાશ `ડેલ્ટા વેલ્યુ’ 5.06 રન છે. આ છગ્ગો આવનારી 14-15 ઓવરો માટે ટીમની રણનીતિ અને મેચ દરમિયાન રન ગતિને નવી દિશા આપે છે, જે ફાયદાકારક રહે છે.
ડેથ ઓવર્સનો છગ્ગો
અહીં છગ્ગાની કિંમત ઘટીને 4.29 રન રહી જાય છે. તેનું કારણ એ છે કે અંતિમ ઓવરોમાં દરેક વ્યક્તિ છગ્ગાની જ અપેક્ષા રાખે છે, તેથી તે `સરપ્રાઈઝ’ પેદા કરતું નથી. આ દરમિયાન દરેકને બાઉન્ડ્રી લાગવાની અપેક્ષા હોય છે.
છગ્ગાની ‘કિંમત’ આ રીતે સમજો
ઉદાહરણ – 1 : ધારો કે તમારી ટીમનાં બેટ્સમેન પહેલેથી જ ઝડપથી રન બનાવી રહ્યાં છે અને અનુમાન છે કે આગામી બોલ પર સરેરાશ 2 રન તો આવી જ શકે છે. આવા સમયે જો તે જ બોલ પર છગ્ગો લાગી જાય છે, તો સ્કોરમાં 6 રન ઉમેરાય છે, પરંતુ અસલ તફાવત માત્ર 4 રનનો પડે છે. કારણ કે 2 રન તો પહેલેથી જ આપણી ‘અપેક્ષા’ માં સામેલ હતા. આને જ છગ્ગાની ‘કિંમત’ અથવા અસર કહેવામાં આવે છે. એટલે કે તે બોલે અપેક્ષા કરતા કેટલું વધારે આપ્યું.
ઉદાહરણ – 2 : ટીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને અનુમાન છે કે આગામી બોલ પર માત્ર 1 રન આવશે. જો અહીં બેટ્સમેન છગ્ગો ફટકારે છે, તો પૂરા 5 રનનો વધારાનો ફાયદો માનવામાં આવે છે.
તેથી સંકટના સમયે લાગેલો છગ્ગો સામાન્ય સમયની સરખામણીએ વધુ કિંમતી માનવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક છગ્ગો સમાન હોતો નથી. કેટલાક છગ્ગા ફક્ત સ્કોર વધારે છે, જ્યારે કેટલાક આખી ઇનિંગની દિશા બદલી નાખે છે. એટલે કે છગ્ગો મારવો એ કોઈ વિશેષ વાત નથી, પરંતુ સમયસર છગ્ગો મારવો એ સાચું કૌશલ્ય છે.

