Tehran, તા. 27
અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુધ્ધમાં હવે કોઇ પણ સમયે અમેરિકા પોતાનું ભૂમિદળ પણ ઇરાનમાં ઉતારે તેવી શકયતાઓ દર્શાવાય રહી છે અને બંને દેશોના ભારે હવાઇ હુમલામાં ઇરાનને તેના રીવોલ્યુશનરી ગાર્ડસ (સેના)ની મોટી ખુવારી સહન કરવી પડી છે.
તે જોતા હવે આ દેશની જાણીતી રીવોલ્યુશનરી ગાર્ડે સેનામાં ભરતી માટે ઓછામાં ઓછા 1ર વર્ષનો નવો માપદંડ જાહેર કર્યો છે એટલે કે 1ર વર્ષથી ઉપરના કોઇ પણ છોકરો હવે અમેરિકા અને ઇઝરાયલ સામેના યુધ્ધમાં જોડાઇ શકશે.
ગાર્ડસના કલ્ચરલ ઓફિસ તરફથી એક યાદીમાં જણાવાયું છે કે 1ર વર્ષની ઉંમરના કિશોરોને સીધા યુધ્ધમાં મોકલાશે નહીં પરંતુ તેમને પેટ્રોલીંગ ઉપરાંત ચેકપોસ્ટ અને અન્ય લોજીસ્ટીક સેવાઓમાં જોડાશે જેથી તાલીમબધ્ધ સૈન્ય યુધ્ધમાં વધુ સૈનિકોને ફાળવી શકે.
આમ હવે 12 વર્ષ, 13 વર્ષ તેવા કોઇપણ ઉંમરના છોકરાઓને આ પ્રકારે યુધ્ધની સેવામાં લેવા ઇરાને નિર્ણય લીધો છે. એ માનવામાં આવે છે કે ઇરાનનું મુખ્ય સૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડ હાલ તેના મહત્વપૂર્ણ ખર્ગ ટાપુથી લઇ હોર્મુઝ જળમાર્ગની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યું છે.
આંતરીક રીતે પણ અનેક મહત્વના સ્થળો પર સૈનિકોને રાખવાની ફરજ પડી છે. જેથી યુધ્ધ સંબંધી કામગીરીમાં સૈનિકોની અછત જોવા મળી રહી છે જે જોતા ઇરાને આ નિર્ણય લીધો હોય તેવું માનવામાં આવે છે.

