Tel Aviv,તા.16
ઈઝરાયેલ તથા હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલતા યુદ્ધમાં છેવટે શાંતિ કરાર થતા બન્ને દેશોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ઉજવણી કરવા શેરીઓમાં ઉતરી પડયા હતા. ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી.
હમાસ દ્વારા ઈઝરાયેલનાં બંધકોને મુકત કરવાની દરખાસ્તનો સ્વીકાર કરવા સાથે ફિલ્મ ફાયર વિશે સમજુતી થતા ઈઝરાયેલમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. તેલઅવીવમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. ઢોલનગારા સાથે ઉજવણી કરવા ઉપરાંત કેન્ડલ માર્ચ અને ગીત ગાઈને યુધ્ધમાં ભોગ બનેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
બંધકોનાં બેનર સાથે ઢોલ વગાડયા હતા અને નારેબાજી પણ કરી હતી હવે બંધકોનાં છુટકારાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ઈઝરાયેલ તથા હમાસ વચ્ચે થયેલા સિઝફાયર કરાર હેઠળ હમાસ તથા તેના સંગઠનો 7 ઓકટોબર 2023 ના હુમલા વખતે બંધક બનાવેલા ઈઝરાયેલી નાગરીકોને મુકત કરો અને ત્યારબાદ ઈઝરાયેલ પણ બંદી બનાવાયેલા સેંકડો પેલેસ્ટાઈનીઓને મુકત કરશે.
આ સમજુતીને પગલે 15 મહિના બાદ ગાઝાનાં લોકોને રાહત મળશે. સમજુતી હેઠળ પેલેસ્ટાઈનનાં નાગરીકોને ગાઝાના ઉતરીય ભાગોમાં પરત ફરવાની છૂટ મળશે. ગાઝામાં રાજકીય મદદ પણ પહોંચી શકશે જયાં લાંબા વખતથી ભુખમરાની સ્થિતિ છે.
હમાસ સાથેનાં યુદ્ધ વિરામને પગલે ઈઝરાયેલનાં વડાપ્રધાને અમેરીકન પ્રમુખ બાઈડન તથા નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરાયેલા ટવીટ મુજબ તમામ બંધકોને મુક્ત કરાવવા ઈઝરાયેલ કટીબદ્ધ છે. અમેરિકા ઈઝરાયેલ સાથે મળીને કામ કરશે તેવા ટ્રમ્પના નિવેદનની પણ સરાહના કરી હતી.
બન્ને દેશો વચ્ચેની સમજુતી પ્રમાણે યુદ્ધવિરામ કરાર 19 જાન્યુઆરીથી લાગુ થશે. અમેરિકા તથા કતાર દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવાયુ છે કે બંધકોની મુક્તિ માટે સમજુતી થઈ છે. ત્રણ તબકકામાં શાંતિ પ્રક્રિયા- કરારનુ પાલન કરવામાં આવશે.

