Jerusalem તા.30
ઈઝરાયેલી સેનાએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગેથી 140થી વધુ સ્થળો પર હુમલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. આઈડીએફએ કહ્યું કે, આતંકવાદી જૂથોની બિલ્ડિંગો, હથિયારના સંગ્રહ સ્થળે સહિત અનેક સ્થળે હુમલા કર્યા છે.
સેનાની ત્રણ ડિવિઝનની ગ્રાઉન્ડ ટુકડીઓ ગાઝા સિટીમાં સતત આગળ વધી રહી છે. ઈઝરાયલી એર ફોર્સે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે 140 ઠેકાણાં પર બોંબમારો કર્યો છે.
જ્યારે ઈઝરાયલી નેવીએ ગાઝાના ઉત્તર ભાગમાં ગોળીબાર કરીને હથિયારના સંગ્રહ સ્થળ અને હમાસના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગને ટાર્ગેટ કરી છે. સેનાએ હમાસના આતંકીઓએ બિલ્ડિંગમાં છુપાવેલા બોંબનો વીડિયો પણ જાહેર કર્યો છે.
હમાસ દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા અનેક બિલ્ડિંગનો ખાતમો બોલાવી દીધો છે, બોંબમારો કરનાર હમાસના એક સભ્યને ઠાર કરી દીધો છે. આ ઉપરાંત હમાસના અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે.
આઈડીએફે સ્પષ્ટ કહ્યું છે કે, હમાસ જેવા આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું. સેનાની ભૂમિ સેનાએ હમાસીઓ દ્વારા જાળ બિછાવાયેલ અનેક બોંબ નષ્ટ કરી દીધા છે અને આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓને અટકાવવા માટે કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે.