Israel,તા.03
ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ સત્તા સંભાળતાની સાથે જ પૂર્વ મેયરના બે કાર્યકારી આદેશોને રદ કરી દીધા છે, જેના કારણે ઈઝરાયલ સરકારે તેમની આકરી ટીકા કરી છે. ઈઝરાયલે મમદાની પર યહૂદી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર એરિક એડમ્સે 2 કાર્યકારી આદેશો જારી કરીને કહ્યું હતું કે ઈઝરાયલ વિરુદ્ધની કેટલીક ટીકાઓને યહૂદી વિરોધી ગણવામાં આવશે અને કોઈ પણ ઈઝરાયલનો બહિષ્કાર નહીં કરે. જોકે, ગુરુવારે મેયર પદના શપથ ગ્રહણ કર્યાના થોડા કલાકો બાદ જ ઝોહરાન મમદાનીએ આ આદેશોને રદ કરવાની જાહેરાત કરી દીધી.ઈઝરાયલના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ન્યૂયોર્ક શહેરના મેયરે સત્તા સંભાળતાની સાથે જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. તેમણે યહૂદી વિરોધી પગલું ભરતા કાર્યકારી આદેશોને રદ કરી દીધા છે અને ઈઝરાયેલના બહિષ્કાર પર લાગેલા પ્રતિબંધોને પણ હટાવી દીધા છે. આ યહૂદી વિરોધી આગમાં ઘી નાખવાનું કામ છે.”

