Dubai, તા.7
ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ફરીથી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચના પાંચમાં પ્રવેશી ગયો છે. ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 118 રન બનાવનાર યશસ્વી ત્રણ સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે પહોંચી ગયો છે. બુધવારે જાહેર કરાયેલા નવીનતમ ICC રેન્કિંગમાં, આ ડાબોડી બેટ્સમેનના 792 રેટિંગ પોઈન્ટ છે.
યશસ્વી ભારતનો ટોચનો ક્રમાંકિત ખેલાડી છે. તેના સિવાય, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (એક સ્થાન નીચે 8મા સ્થાને) ટોપ ટેનમાં અન્ય ભારતીય છે. યશસ્વીએ શ્રેણીમાં 41.10 ની સરેરાશથી બે સદી સાથે 411 રન બનાવ્યા. તે ઇંગ્લેન્ડના જો રૂટ (908), હેરી બ્રુક (868), ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન (858) અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (816) સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચના પાંચમાં છે. તે જ સમયે, શ્રેણીમાં રેકોર્ડ ચાર સદી સાથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ ચાર સ્થાન નીચે સરકીને 13મા સ્થાને પહોંચી ગયો છે.
ભારતના ફાસ્ટ બોલર સિરાજ મોહમ્મદ (674) ટેસ્ટ રેન્કિંગમાં 12 સ્થાનની છલાંગ લગાવીને બોલરોની યાદીમાં 15મા સ્થાને પહોંચી ગયા છે. આ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પણ છે. તેમણે શ્રેણીમાં સૌથી વધુ 23 વિકેટ લીધી હતી.
અગાઉ, તેમનું શ્રેષ્ઠ રેન્કિંગ 16 હતું, જે તેમણે ગયા વર્ષે જાન્યુઆરીમાં હાંસલ કર્યું હતું.પ્રસિદ્ધ કૃષ્ણ (368) પણ કારકિર્દીના શ્રેષ્ઠ 59મા ક્રમે પહોંચી ગયા છે.
બુમરાહનો દબદબો: સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (889), જેમણે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઇંગ્લેન્ડ સામે શ્રેણીની ત્રણ મેચ રમી હતી.
તેમણે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. દક્ષિણ આફ્રિકાના કૈગીસો રબાડા બીજા, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ ત્રીજા, ન્યુઝીલેન્ડના મેટ હેનરી ચોથા અને ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ પાંચમા ક્રમે છે.જ્યારે જાડેજા ત્રણ સ્થાન નીચે સરકીને 17મા સ્થાને પહોંચી ગયો છે.
ઓલરાઉન્ડરોમાં જાડેજા નંબર વન
રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડરોમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તે 403 પોઈન્ટ સાથે વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે.
જાડેજા અને બીજા ક્રમે રહેલા બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝ (305) વચ્ચે 100 પોઈન્ટનું અંતર છે. વોશિંગ્ટન સુંદર ત્રણ સ્થાન નીચે સરકીને 16મા સ્થાને પહોંચી ગયો છે.