Jamnagar,તા.02
જામનગર શહેરમાં એક કાર અને સાઇકલ વચ્ચેના અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત બની છે. દરેડ પાસે મર્શિડિઝ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવાનોને ઠોકરે ચડાવનાર કારચાલક સામે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ગાગવા ગામમાં 13 વર્ષના વિદ્યાર્થીને એક ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકરે ચડાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં મર્સિડીઝ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક જામનગરમાં પાણાંખાણ વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની અનિલ જ્વલા પ્રસાદ ત્રિપાઠી (ઉંમર વર્ષ 36) તેમજ તેના મિત્ર અનિકેત (ઉંમર વર્ષ 26) કે જે બંનેને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. તેઓને હાથ પગ અને માથામાં ફેક્ચર સહિતની ઈજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે અનિલ ત્રિપાઠીએ મર્શિડીઝ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ક્રિષ્ના પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતી કિર્તીબેન જીતેન્દ્રભાઈ વાઘેલા નામની 21 વર્ષ યુવતી પોતાની સાઇકલ લઈને શરૂ સેક્સન રોડ પરથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 01 આર.ડબલ્યુ. 1905 નંબરની કારના ચાલકે સાયકલ સહિત ઠોકરે ચડાવતાં ફેક્ચર સહિતની ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકાના ગાગવા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા ક્રિપાલસિંહ જાડેજા નામના 13 વર્ષના વિદ્યાર્થીને ગાગવા ગામમાં પાણીના ટાંકા પાસે જી.જે. 15 એ.ટી.1749 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે હડફેટ લઈ ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી છે. આ અકસ્માતના બનાવ અંગે કૃપાલસિંહના કાકા લખુભા જાડેજાએ બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.