ડીએનએ રિપોર્ટમાં આરોપી જ ગર્ભસ્થ બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું હતું; ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર આપવા આદેશ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૪
Jamnagar જિલ્લા ના ધ્રોલની ૧૬ વર્ષ ૨ માસની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનારને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરિયાદીની ૧૬ વર્ષ ૨ માસની સગીર પુત્રીને ધ્રોલના બાબુ રાયમલભાઈ જખાનિયા (ઉ.વ. ૨૧)એ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ઓળખાણ કેળવી હતી. ત્યારબાદ ફોન પર સતત વાતચીત કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી સગીરાને ધ્રોલથી રાજકોટ અને ત્યારબાદ સુરત લઈ ગયો હતો, જ્યાં ભાડાના રૂમમાં રાખી તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં ભોગ બનનારના પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨) તેમજ પોક્સો અધિનિયમની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પોક્સો કેસ નં. ૬૨/૨૦૨૪ તરીકે ચાલ્યો હતો.સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૯ સાક્ષીઓ અને ૭૨ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલ ભારતી વાદીએ દલીલ કરી હતી કે આરોપી પરણિત હોવા છતાં તેણે સગીરાને પાંચ માસનો ગર્ભ રાખી દીધો હતો. ડીએનએ રિપોર્ટમાં આરોપી જ ગર્ભસ્થ બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું હતું.
રજૂ થયેલા પુરાવા અને સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ શ્રી આર.પી. મોગેરાએ પોક્સો અધિનિયમની કલમ ૪ હેઠળ આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ દંડ, જ્યારે પોક્સો અધિનિયમની કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦ દંડની સજા ફટકારી હતી. દંડની રકમ ન ભરાય તો વધુ ૬ માસની સખત કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂ. ૪ લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલ ભારતી વાદીએ સફળતાપૂર્વક રજૂઆત કરી હતી.

