લાકડી-ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકીનો આક્ષેપ , એક ફરિયાદમાં અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનિત કરાયાનો ઉલ્લેખ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૭ઃ
કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે જૂની બોલાચાલી અને ગાળો બોલવાના મુદ્દે મારામારીના બનાવ સંદર્ભે બંને પક્ષે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. એક ફરિયાદમાં છ શખ્સો સામે મારામારી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે સામા પક્ષે બે શખ્સો સામે માર મારવા અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, મોટી વાવડી ગામમાં રહેતા અને અનુસૂચિત જાતિના ૪૦ વર્ષના રમેશકુમાર ઉર્ફે ભુદો કેશવલાલ વીરાભાઈ ચૌહાણના ભાઈ તા. ૩૧ જુલાઈના રોજ બપોરે ઘરે આવતા હતા ત્યારે શબીર ઇબ્રાહીમ ધુધાના ઘર પાસે શેરીમાં માવો ખાઈને થૂંકવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન શબીર અને રાહુલ એપાભાઈ વારગીયાએ લાકડી વડે તેમના ભાઈને માર માર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીએ વચ્ચે પડી ભાઈને છોડાવી ઘરે લઈ ગયા બાદ બંને શખસો ફરી ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેમના ભાઈને લાકડી તથા પાઇપ વડે માર માર્યો હતો. ફરિયાદી વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં અન્ય આરોપીઓ મમતાજબેન ઇબ્રાહીમ ધુધા, કરીશ્માબેન ઇબ્રાહીમભાઈ ધુધા, ઇબ્રાહીમ ઉર્ફે કારો ધુધા અને સફીલાબેન શબીરભાઈ ધુધા પણ આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમના ભાઈને ઢીકાપાટુનો માર મારી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે શબીર ઇબ્રાહીમ ધુધા, રાહુલ એપાભાઈ વારગીયા સહિત છ શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૫૧(૪), ૩૩૩, ૫૪, જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) તથા એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ એસ.સી.-એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક મીત રુદ્રલાલને સોંપવામાં આવી છે.
બીજી ફરિયાદમાં મોટી વાવડી ગામે રહેતા ૩૧ વર્ષના શબ્બીરભાઈ ઇબ્રાહીમભાઈ ઘુઘાએ અમરશીભાઈ કેશુભાઈ ચૌહાણ અને રમેશભાઈ કેશુભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની પત્ની અને માતા ઘરની બહાર બેઠાં હતાં ત્યારે આરોપી અમરશીભાઈ ત્યાં આવી તેમની સામે થૂંકી ગાળો બોલતા હતા. ગાળો બોલવાની ના પાડતાં ફરિયાદીને પણ ગાળો આપી આરોપી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ફરીથી ફરિયાદીના ઘર પાસે આવી તેમના મિત્રને ગાળો ભાંડી માર મારતાં ફરિયાદી વચ્ચે પડ્યા હતા. આ સમયે અમરશીભાઈએ ફરિયાદીના મોઢા પર મુક્કો માર્યો હતો, જ્યારે રમેશભાઈ લાકડાનો ધોકો લઈને આવી ફરિયાદીના ડાબા હાથની કોણી પર ઘા માર્યો હોવાનો આક્ષેપ છે. બંને આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધ્યો છે. બંને ફરિયાદો તા. ૧૬ ઓક્ટોબરના રોજ નોંધવામાં આવી હતી. પોલીસે બંને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

