જામજોધપુરમાં બનેવી અને તેના બે સાગરીતો સામે અપહરણ તથા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૭ઃ
Jamnagar જિલ્લાના જામજોધપુરમાં પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ મહિનાથી પિયરમાં રિસામણે આવેલી પત્નીને સાસરે પરત ન મોકલવાની અદાવત રાખી બનેવીએ પોતાના બે સાગરીતો સાથે મળીને સાળાનું ઘરેથી અપહરણ કરી છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસ મથકમાં ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ, જામજોધપુરના રામવાડી-૩ વિસ્તારમાં બંસરી પાનની સામે રહેતા અને મજૂરીકામ કરતા ૨૫ વર્ષીય લખુભા દિલુભા વાઘેરની બહેન સેંજલબાના લગ્ન આશરે ૧૩ વર્ષ પહેલાં લાલપુર તાલુકાના ઝાંખર ગામના અશોકસિંહ ભીખુભા ચુડાસમા સાથે થયાં હતાં. આ દંપતીને બે સંતાનો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનેવીને દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ હોય તેમજ કોઈ કામધંધો કરતા ન હોવાથી પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા.
આવા ઝઘડાઓથી કંટાળીને સેંજલબા આશરે ત્રણ મહિના પહેલાં પોતાના પિયરમાં રિસામણે આવી ગયાં હતાં. ત્યારબાદ અશોકસિંહ બે-ત્રણ વખત પત્નીને તેડવા આવ્યા હતા, પરંતુ પિયરિયાઓએ તેમને પરત મોકલ્યાં ન હતાં. આ બાબતની અદાવત રાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.દરમિયાન તા. ૧૫ ઓક્ટોબરની રાત્રે આશરે સાડા દસેક વાગ્યે લખુભા પોતાના ઘરે એકલા હતા ત્યારે તેમના બનેવી અશોકસિંહ ચુડાસમા તથા તેમના બે સાગરીતો ભાવેશ ધુલીયા અને રુષિરાજસિંહ જાડેજા, ત્રણેય રહે. ઝાંખર ગામ, તા. લાલપુર, સ્વિફ્ટ કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા.
ફરિયાદ મુજબ, ત્રણેય શખસોએ ઘરમાં પ્રવેશ કરી બહેનને સાસરે કેમ મોકલતા નથી તે બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ લખુભાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી તેમનું અપહરણ કરી લઈ ગયા હતા. આરોપીઓ કારમાં વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ તેમને ઝાંખર ગામ તરફ લઈ ગયા હતા.
આ દરમિયાન આરોપીઓએ લખુભાને ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રુષિરાજસિંહ જાડેજાએ જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે ગળાના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લખુભા નીચે નમી જતાં છરીનો ઘા તેમના માથામાં જમણી બાજુ કપાળ પાસે વાગ્યો હતો. હુમલામાં તેમને ઈજા થતાં ચાર ટાંકા લેવા પડ્યા હતા.ફરિયાદ મુજબ, ત્રણેય શખસોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલા બાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકે મદદ મેળવતાં પોલીસની મદદથી તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે લખુભા વાઘેરની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે અશોકસિંહ ભીખુભા ચુડાસમા, ભાવેશ ધુલીયા અને રુષિરાજસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ, અપહરણ, ગેરકાયદે ઘૂસણખોરી, મારામારી અને ધમકી સહિતની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

