(નયના દવે દ્વારા)
Jamnagar તા ૨૦
Jamnagar નજીક દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં જી-સેડ પ્લોટ નંબર ૩૪૯૮ સામે બે બાઈક સામસામે અથડાતાં એક બાઈકચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બાઈકચાલકને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં જામનગરના કનસુમરા પાટિયા નજીક રહેતા અને દરેડ જીઆઈડીસીમાં કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરતા ચેતનભાઈની હાલત ગંભીર બની હતી અને તેમને માથામાં હેમરેજ થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું.
બનાવની વિગત મુજબ, ચેતનભાઈ બકરાણીયા (ઉ.વ. ૩૭) ગઈ તા. ૧૮ ઓક્ટોબરના રોજ બપોરે જમ્યા બાદ પોતાની હોન્ડા સાઈન બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યા હતા. દરમિયાન બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં જી-સેડ પ્લોટ નંબર ૩૪૯૮ સામે મધ્યપ્રદેશના નંબરની એચએફ ડીલક્સ બાઈકના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને બેદરકારીથી બાઈક હંકારી લાવી ચેતનભાઈની બાઈક સાથે સામેથી ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને બાઈકચાલકો રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. એચએફ ડીલક્સ બાઈકના ચાલકને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચેતનભાઈને માથાના ભાગે અને જમણી આંખ ઉપર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં ચેતનભાઈના ભાઈ નવનીતભાઈ બકરાણીયા હોસ્પિટલ પહોંચ્યા હતા. ચેતનભાઈને માથામાં હેમરેજ થતાં રાત્રિના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમને સઘન સારવાર માટે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. ભાઈની સારવારમાં રોકાયેલા હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે નવનીતભાઈએ પંચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

