સમર્થ કંપનીની પવનચક્કીની ખાનગી વીજલાઇન સામે સવાલો ગેરકાયદે વીજપોલ દૂર કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓની માગ
(નયના દવે દ્વારા)
Jamnagar તા ૨૦
Jamnagar જિલ્લાના રીંજપર નદીના પટમાં સમર્થ કંપનીની પવનચક્કી સાથે સંકળાયેલી ખાનગી વીજલાઇનના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે નદીના પટમાં નાખવામાં આવેલી ખાનગી વીજલાઇનની કાયદેસરતા, વીજસલામતીના નિયમો અને વન્યજીવોની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યા છે.
રીંજપર નદીના પટમાં તેમજ ચેકડેમ જેવા સરકારી જળસ્ત્રોતના વિસ્તારમાં સમર્થ કંપની દ્વારા ખાનગી વીજલાઇનના થાંભલા નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે જરૂરી કાયદેસરની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેમજ વીજલાઇન નાખતી વખતે પર્યાવરણીય સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં, તેની તપાસ કરવાની માગ ઊઠી છે. નદીના પટ અને ખુલ્લા વિસ્તારમાં પસાર થતી આવી વીજલાઇન વન્યજીવો માટે જોખમી બની શકે છે, ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી હકીકતો બહાર લાવવી જરૂરી બની છે.
રાષ્ટ્રીય પક્ષી મોરને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ કાનૂની રક્ષણ મળેલું છે. આવી સ્થિતિમાં વીજલાઇનના સંપર્કમાં આવવાથી મોરનું મોત થયું હોવાની ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદારી નક્કી કરવાની માગ કરવામાં આવી છે. વીજલાઇનની મંજૂરી, તેની સુરક્ષા વ્યવસ્થા અને સંબંધિત નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર (સીઈઆઈજી) સહિતના સત્તાધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.
રીંજપરના નાગરિકો અને જીવદયા પ્રેમીઓએ વન વિભાગ, સિંચાઈ વિભાગ તથા ઊર્જા વિભાગના સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરે, મોરના મોતના સંજોગોની તપાસ કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માગણી કરી છે. સાથે જ નદીના પટમાં નાખવામાં આવેલા વીજપોલ અને વીજલાઇનની કાયદેસરતા ચકાસી, જો ગેરકાયદે હોવાનું જણાય તો તેને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આ ઘટનામાં વાસ્તવિક જવાબદારી નક્કી થાય અને ભવિષ્યમાં અન્ય પક્ષીઓ તથા વન્યજીવો આવા જોખમનો ભોગ ન બને તે માટે સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી રીંજપરના નાગરિકો અને જીવદયા પ્રેમીઓની માગ છે.

