Rajkot,તા.7
રાજયમાં જંત્રીદરમાં સૂચિત કમ્મરતોડ ભાવવધારા સામે બિલ્ડરો મેદાને આવ્યા જ છે અને સોમવારે રાજયભરમાં રેલી તથા આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. સાથોસાથ બાંધકામ સાઈટોબંધ રાખીને હડતાળ પાડવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા એમ કહેવાયું છે કે જંત્રીમાં સુચવાયેલા તોતીંગ વધારાને કારણે બિલ્ડરોથી માંડીને ગ્રાહક વર્ગને મોટો ફટકો પડવાનો છે. આ સિવાય રાજકોટમાં પ્લાન, કમ્પલીશન, ફાયર એનઓસી સહિતની કામગીરીમાં જડ બાબતોનો વિરોધ કરવા માટે સોમવારે બહુમાળી ચોકમાં સરદાર પટેલની પ્રતિમા ખાતેથી રેલી યોજાશે અને તે કલેકટર કચેરીએ જઈને આવેદનપત્ર આપશે. આ કાર્યક્રમમાં બિલ્ડરો, શ્રમીકો, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ તથા સામાન્ય નાગરીકો પણ મોટી સંખ્યામાં જોડાશે.
આ રેલી-આવેદનનાં કાર્યક્રમની સાથોસાથ બિલ્ડરો દ્વારા બાંધકામ સાઈટો પણ સ્વયંભુ રીતે બંધ રાખીને વિરોધનો પડઘો પાડવામાં આવશે. સીવીલ એન્જીનીયર્સ એસોસીએશન,પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસીએશન, સિવીલ કોન્ટ્રાકટર એસોસીએશન, રીયલ એસ્ટેટ એસોસીએશન, રેવન્યુ બાર લેબર કોન્ટ્રાકટર સહિતના સંગઠનોનાં સભ્યો હાજર રહેશે.
બિલ્ડર સંગઠનની બેઠકમાં પૂર્વ પ્રમુખ હિતેશ બગડાઈએ ભુતકાળમાં અન્ય રાજયોની સરકારોએ આવા પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ કર્યું જ છે તે ટાંકીને સરકારમાં રજુઆત કરવા સુચવ્યુ હતું. પૂર્વ પ્રમુખ રશ્મીભાઈ પટેલે પણ એવુ સુચન કર્યુ હતું કે આ પ્રકારનો પ્રશ્ર્ન ભવિષ્યમાં પણ ન ઉદભવે તે રીતે કાયમી નિરાકરણ આવે તે જોવુ પડશે.