Mumbai,તા.6
દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનિશ્યલ પબ્લિક ઓફર (આઈપીઓ) બનવાની સંભાવના ધરાવતી રિલાયન્સ જિયોની ઓફર લાવવા માટે મુકેશ અંબાણીએ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો અહેવાલ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની ટેલિકોમ ક્ષેત્રની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિડેડ આઈપીઓ દ્વારા 35000થી 40,000 કરોડ રૂપિયા એકઠા કરવા ધારે છે.એવું એક અખબારી અહેવાલ પરથી જાણવા મળ્યું છે.
ટેલિકોમ કંપનીનું મૂલ્ય 120 અબજ ડોલર અંદાજિત છે એનો આઈપીઓ 2025ના ઉત્તરાર્ધમાં આવવાની અપેક્ષા છે આ ઈશ્યુ દ્વારા વર્તમાનની સાથે-સાથે નવા શેર વેચવામાં આવશે કેટલાક નિશ્ચિત રોકાણકારોને પ્રી-પ્લેસમેન્ટ દ્વારા શેર ઓફર કરવામાં આવશે.
પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ માટેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. અને હાલના શેરની સામે કેટલા નવા શેર ઓફર કરવામાં આવશે એ હજી નકકી કરવાનું બાકી છે. નોંધનીય છે કે રિલાયન્સે કે જિયોએ આ ઈશ્યુ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.અહીં જણાવવું રહ્યું કે ગયા વર્ષે ઓકટોબરમાં આવેલો હ્યુનદાઈ ઈન્ડિયાનો 27870 કરોડ રૂપિયાનો આઈપીઓ દેશમાં સૌથી મોટો હતો.
રિલાયન્સ જિયોના ઈશ્યુનું પ્રમાણ 40,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ રખાયો છે. આમ એ સૌથી મોટો ઈશ્યુ હશે.આ ઈશ્યુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરને વેગ આપે એવી પણ શકયતા છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લાં 10 વર્ષમાં પહેલી વાર વાર્ષિક ધોરણે નુકશાન થયું છે. અર્થાત્ પાછલા વર્ષની તુલનાએ 2024માં શેરનો ભાવ ઘટયો હતો.આ ઘટાડો આશરે 6 ટકા રહ્યો હતો.