ચૂંટણી ટાણે સતત સતર્ક જુનાગઢ પોલીસે વેરાવળ લઈ જવાતો લાખોનો દારૂ પકડી પાડી સરાહનીય કામગીરી કરી
Junagadh, તા. ૧૭
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તથા ગ્રામ પંચાયતોની ચુંટણી અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે જુનાગઢ પોલીસ સતત સતર્ક છે. ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાંચ એ વેરાવળ લઈ જવાતો રૂા. ૬૦,૩૬,૮૦૦ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ૧૯૯૨ પકડી પાડી, હરિયાણાના ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો છે. જ્યારે અન્ય એક શખ્સ તથા વેરાવળમાં દારૂ મંગનાર ઇસમ સામે ગુનો નોંધી બંને શખ્સોને પકડી પાડવા પોલીસ એ ચક્રો ગતિમાન કર્યા છે. અને આ દારૂ ક્યાંથી આવ્યો ? કોણે મોકલ્યો ? તે સહિતની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જુનાગઢ પોલીસે ચુંટણી સમયે જ લાખો રૂપિયાનો દારૂ પકડી પાડી એક સરાહનીય કામગીરી કરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાને ચોકકસ બાતમી હકિકત મળેલ કે, અમુક ઇસમોએ ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને આ જથ્થો ટ્રક રજી.નં. જીજે-૧૫-વાયવાય-૬૪૧૬ માં છુપાવીને મંગાવેલ છે. જે ટ્રક વડાલ ગામ તરફથી વાયા જુનાગઢ થઇ વેરાવળ ખાતે જવાનો છે. તેવી હકિકત મળતાં ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ. જે.જે. પટેલને હકિકતની જાણ કરતાં જેઓએ પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયાને વોચમાં રેવા સુચના કરતા પો.સબ ઇન્સ. સરવૈયા સહિતનો પોલીસ સ્ટાફ મળેલ બાતમી હકિકતના આધારે ભેસાણ ચોકડી પહેલા જુનાગઢ જુના જકાતનાકા પાસે વોચમાં હાજર હતા. દરમ્યાન
હકિકત વાળો રજી. નંબર વાળો ટ્રક વડાલ ગામ તરફથી આવતા સદરહુ ટ્રકને રોકાવી ટ્રકને કોર્ડન કરી, ટ્રકની તલાસી લેતા ટ્રકની કેબીન અંદર પાછળના ભાગે સીટ મઢેલ હોય. જે સીટ હટાવી જોતા એક પતરૂ બોલ વડે ફીટ કરેલ હોય. જેથી બોલ ખોલી પતરૂ હટાવતા બોગીમાં અંદર જવાનો રસ્તો હોય અને અંદરના ભાગે તપાસતા કોથળા અને બોક્ષમાં અલગ-અલગ બ્રાન્ડની રૂા. ૬૦,૩૬,૮૦૦ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ૧૯૯૨ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, રોકડા રૂપિયા તથા ટ્રક સહિતનો રૂ. ૭૫,૪૫,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ટ્રકમાં ચાલાકીથી સંતાડેલ રૂા. ૬૦,૩૬,૮૦૦ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ ૧૯૯૨ પોલીસને મળી આવતા પોલીસે હરિયાણા રાજ્યના અસૌધા તોડરણ ગામના ટ્રક ચાલક અનિલકુમાર મહેન્દ્રસિંગ જાટને પકડી પાડી, ટ્રક ચાલક તથા હાજર નહીં મળી આવનાર મો.નં. ૭૩૮૩૨૯૦૯૩૭ વાળો મનીષ નામનો શખ્સ અને વેરાવળ ખાતે દારુ મંગાવનાર ઇસમ સામે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે. પટેલ તથા પો.સબ.ઇન્સ. ડી.કે. સરવૈયા, ડી.કે. ઝાલા,
એ.એસ.આઇ. સામતભાઇ બારીયા, નિકુલ એમ. પટેલ, વિજયભાઇ બડવા, પો.હેડ.કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૂ, મહેન્દ્રભાઇ ડેર, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ ચોહાણ અને ડ્રા.પો. કોન્સ. વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.