Kotdasangani. તા.23
કોટડાસાંગાણીના કાલંભડી ગામે જૂની અદાવતમાં ભત્રીજાએ કાકી પર પાવડા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ખેતી બાબતે ચાલતા વિવાદમાં સમાધાન થયાં બાદ પણ ભત્રીજાએ વાડી ખાતે ધસી જઈ પ્રૌઢાને માર મારતા લોધીકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કોટડાસાંગાણીના કાલંભડી ગામના 50 વર્ષીય પ્રૌઢા રેખાબેન મુળજીભાઈ વરાણએ લોધીકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલંભડી ગામના જ સંજય પુના વરાણનું નામ આપી જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા તેમના જેઠ પુનાભાઈના દીકરા સંજય ઉર્ફે પપ્પુએ ખેતીવાડી બાબતે બોલાચાલી કરેલ હતી. જે બનાવ બાબતે કુટુંબીઓ સાથે વાતચીત કરી સંજય સાથે સમાધાન કરેલ હતું. બાદ સંજય તેણીના પરિવાર સાથે અવારનવાર માથાકૂટ કરવા આવતો હતો.
વધુમાં પ્રૌઢાએ જણાવ્યું હતું કે, ગત ગઈકાલે સવારના સમયે તેઓ વાડીએ નાના દીકરાની પત્ની રસીલાબેન સાથે ખેતી કામ કરવા જતી હતી, ત્યારે સંજય ઘસી આવી સામે કાતર મારવા લાગેલ હતો. જેથી તું કેમ અમારી સામે જોવે છે, તેમ કહેતા સંજયે તેની પાસે હાથમાં રહેલ લાકડાના હાથાવાળો પાવડો પેટના તથા માથાના ભાગે મારી દીધેલ હતો.
બનાવને પગલે દીકરાની પત્ની રસીલાબેન તથા કુટુંબી ભાઈ ખીમજી ભાઈ દોડીને ત્યાં આવતા સંજય ત્યાંથી ભાગવા લાગેલ હતો જતાં જતાં કહેલ કે, આજે તો આ બધા આવતા તું બચી ગયેલ છો, બીજી વાર તને જાનથી પતાવી દેવી છે તેમ કહી સંજય નાસી ગયો હતો.બાદ પ્રૌઢાને પેટ અને માથામાં દુખાવો થતાં સારવાર અર્થે લોધીકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને પગલે પ્રૌઢાની ફરિયાદ પરથી લોધીકા પોલીસે સંજય પુના વરાણ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.