Washingtonતા.7
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ટ્રમ્પ સામે હારનો સામનો કરવો પડયો છે. ત્યારે કમલા હેરિસે બુધવારે પોતાની હારનો સ્વીકાર કરી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. જોકે તેમણે પોતાના આદર્શો પર લડાઈ ચાલુ રાખવાની વાત કરી હતી. કમલા હેરિસ હાર્વડ યુનિવર્સીટીમાં પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું.
હેરિસે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મળેલી હારને હું સ્વીકારૂ છુ. પણ મહિલાઓનાં અધિકારો અને બંદુક હિંસાની સામે લડાઈ ચાલુ રાખીશ. લોકોનાં સન્માન માટે હું લડતી રહીશ. પ્રવચન દરમ્યાન કમલા હેરીસનો અવાજ થોથવાતો હતો અનેક સમર્થકો પણ રડવા લાગ્યા હતા. 15 મીનીટથી ઓછા સમયમાં તેમણે સંબોધન પુરૂ કર્યુ હતું.
આ તકે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી, રાષ્ટ્રપતિ જો બાયડન અને હજારો પ્રસંશકો હાજર હતા. કમલા હેરીસે પોતાના સમર્થકોને નિરાશ ન થવા અને કયારેય હાર ન માનવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કયારેક કયારેક લડાઈમાં થોડો સમય લાગે છે પણ તેનો અર્થ એ નથી કે આપણે નહીં જીતીએ.
હેરિસે કહ્યું કે મે તમને એમ પણ કહ્યું હતું કે અમે શાંતિપુર્ણ રીતે સતા હસ્તાંતરણ કરીશ અને સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.પ્રમુખ પદની ચૂંટણીના પરીણામો હેરીસ માટે ખુબ જ નિરાશાજનક રહ્યા છે.જયારે બાઈડને પણ ટ્રમ્પને ફોન કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી અને સતા હસ્તાંતરણ શાંતિપુર્ણ રીતે કરવા માટે આશ્વાસન આપ્યુ હતું.