Kandla,તા.25
દેશમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે જ 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જેમાં એર ઈન્ડિયાની 20, ઈન્ડિગોની 20, વિસ્તારાની 20 અને આકાસાની 25 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આજે પણ કચ્છનાં કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકી મળતાં જ પોલીસ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી હતી અને હાલ તપાસ ચાલી રહી છે. આવી ધમકીઓને લઈને આઈટી મંત્રાલયે 23 ઓક્ટોબરે સોશિયલ મીડિયા એક્સ, મેટા અને એરલાઈન કંપનીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.
છેલ્લાં 10-11 દિવસોમાં 255થી વધુ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જેનાં કારણે ઉડ્ડયન ક્ષેત્રને 600 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
એરપોર્ટ પહેલાં અમુક સ્કૂલ અને મોલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.
જોકે તેમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો. હાલમાં એરપોર્ટ અને ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાની ધમકીઓ આપતાં ઈમેલનો સિલસિલો યથાવત છે. પોલીસ, આઇટી વિભાગની મદદથી આવી ધમકીઓ આપતાં લોકોને પકડવાની કામગીરી કરી રહી છે.
કેન્દ્ર સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ફ્લાઇટને ખોટા જોખમની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. ધમકીઓ આપનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવી શકે છે. જેનાં કારણે તે ભવિષ્યમાં હવાઈ મુસાફરીનો હકદાર નહીં રહે.
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, નકલી બોમ્બની ધમકીઓ સાથે વ્યવહાર કરવા માટે કાનૂની કાર્યવાહીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉડ્ડયન સુરક્ષા નિયમોની સાથે, નાગરિક ઉડ્ડયન અધિનિયમ, 1982માં પણ સુધારો કરવાની યોજના છે.