Bengaluru,તા.26
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં હવે નેતૃત્વ પરિવર્તન નિશ્ચિત બની ગયુ છે અને હાલના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર નવા મુખ્યમંત્રી બનશે તેવા સંકેત છે. છેલ્લા એક સપ્તાહથી બેંગલુરૂ-દિલ્હી વચ્ચે જે રાજકીય ધમધમાટ સર્જયા તેમાં હવે કોંગ્રેસ મોવડીમંડળે `સિક્રેટ-ડીલ’ ને સન્માન આપવા નિર્ણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે.
જે મુજબ રાજયમાં પાંચ વર્ષના શાસનમાં અઢી-અઢી વર્ષ શ્રી સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમાર મુખ્યમંત્રી રહેશે. તા.20 નવે.ના સિદ્ધરમૈયાએ મુખ્યમંત્રીપદના અઢી વર્ષ પુરા કરતા હવે ખુરશી ખાલી કરવા માટે તેને કોંગ્રેસ મોવડીમંડળ જણાવશે. ડી.કે.શિવકુમારના ટેકેદાર ધારાસભ્યોએ દિલ્હીમાં પડાવ નાખી કોંગ્રેસ મોવડીમંડળ પર જબરૂ દબાણ લાવ્યુ છે.
પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી મલ્લીકાર્જુન ખડગે એ પણ સંકેત આપ્યો હતો કે મોવડીમંડળ નિર્ણય લેશે. કોંગ્રેસને ડર છે કે હવે જો શિવકુમારને મુખ્યમંત્રી બનાવાશે નહી તો રાજસ્થાન અને મધ્યપ્રદેશવાળી થઈ શકે છે.
આ બન્ને રાજયો કોંગ્રેસે સતા ગુમાવી તેમાં મુખ્યમંત્રી માટે આંતરિક ખેચતાણ જવાબદાર હતી. જેમાં કોંગ્રેસ મોવડીમંડળે પોતાનુ `વચન’ આપ્યુ ન હતું. ડી.કે.શિવકુમારના ટેકામાં બહુમતી ધારાસભ્યો હોવાનું માનવામાં આવે છે. 2028માં કર્ણાટક ધારાસભાની ચુંટણી છે. કોંગ્રેસ પાસે આ સૌથી મહત્વનું રાજય છે અને ત્યાં જો કોઈ રાજકીય કટોકટી સર્જાય તો પક્ષને મોટો ફટકો પડી શકે છે.
ચાર-પાંચ લોકોની ગુપ્ત સમજુતી : શિવકુમારનો દાવો
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે હવે આક્રમક બનેલા શ્રી ડી.કે.શિવકુમારે જણાવ્યું કે ચાર-પાંચ લોકો વચ્ચે થયેલી એક ગુપ્ત સમજુતી છે. તેની જાહેરમાં ચર્ચા કરી શકાય નહી.

