Canadaતા.25
અહીં રવિવારે ખાલિસ્તાની આતંકી સંગઠન શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજીત અનૌપચારિક ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આમાં હજારો કેનેડિયન શિખોએ ભાગ લીધો હતો. અહીં મારી નાખોના ભડકાઉ નારા લાગ્યા હતા. એસએફજે મે ભારતમાં તેની વિધ્વંસક ગતિવિધિઓને લઈને યુએપીએ અંતર્ગત પ્રતિબંધીત કરી દેવામાં આવ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જયારે ભારત કેનેડા સંબંધોમાં જામેલો બરફ છેલ્લા કેટલાક સમયથી પીગળવા લાગ્યો છે.
ભારતે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતે વારંવાર કહ્યું છે કે જનમત સંગ્રહ ભારતની સંપ્રભુતા અને અખંડતા પર સીધો હુમલો છે અને કેનેડાએ પોતાને ત્યાં સક્રિય ઉગ્રવાદી તત્વો સામે સખત પગલા ઉઠાવવા જોઈએ.
ઓટાવાના મેકનેબ કોમ્યુનિટી સેન્ટરમાં તા.23મીએ રવિવારે સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી ચાલેલા આ જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ રાજયો-ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટીશ, કોલંબિયા અને કયુબેકથી 53 હજારથી વધુ ખાલિસ્તાન સમર્થક આવ્યા હતા. બાળકોથી માંડીને વોકરનો સહારો લઈને વૃધ્ધો પણ સવારથી સાંજે સુધી લાઈનમાં ઉભા હતા.
વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકોને ભારતના રાજનેતાઓ અને સરકારી અધિકારીઓ વિરૂધ્ધ ઉગ્રતાથી ‘મારી નાખો’ના હિંસક નારા લગાવતા જોવા મળે છે. ભારતીય ઝંડો તિરંગો ફાડી નાખવામાં આવ્યો હતો. પોલીસના લાયઝન અધિકારી ઘટના સ્થળે હાજર હતા જો કે તેઓએ કોઈ હસ્તક્ષેપ નહોતો કર્યો.
ભારત દ્વારા આતંકવાદી જાહેર ખાલિસ્તાની આતંકી અને એસએફજેના જનરલ કાઉન્સલ ગુરૂપતવંતસિંહ પન્નુએ સેટેલાઈટ સંદેશથી લોકોને સંબોધિત કર્યા હતા.

