Gandhinagar,તા.18
‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીત થકી જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટ ઝટકો આપ્યો છે. ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે માટે આગામી નવરાત્રિમાં ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત ગાવાની શક્યતા ઓછી છે, કારણ કે આ ગીતના કોપીરાઇટ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે જાહેર મંચ પર ગીત ગાવા પરનો સ્ટે 7 ડિસેમ્બર સુધી યથાવત્ રાખ્યો છે. આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બરમાં થવાની શક્યતા છે.
આ કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે રેડ રિબને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શરૂઆતમાં હાઈકોર્ટે કિંજલ દવેને જાહેર મંચ પર આ ગીત ગાવા પર સ્ટે યથાવત્ રાખ્યો હતો. જોકે, છેલ્લી સુનાવણીમાં આ સ્ટે હટાવી લેવાયો હતો, જેનાથી કિંજલ દવેને મોટી રાહત મળી હતી.પરંતુ, રેડ રિબન દ્વારા આ ચુકાદા સામે આગળ અપીલમાં જવાની તૈયારી દર્શાવાતા, તેમણે હાઈકોર્ટ સમક્ષ આ સ્ટેને 8 અઠવાડિયા સુધી લંબાવવાની માગ કરી હતી. હાઈકોર્ટે આ માગ સ્વીકારીને ગીત ગાવા પરનો સ્ટે આગામી 7 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.
આ નિર્ણયને કારણે, કિંજલ દવેને જ્યાં સુધી કોર્ટમાંથી કાયમી રાહત ન મળે, ત્યાં સુધી તે આ ગીત જાહેર કાર્યક્રમોમાં કે સ્ટેજ પર ગાઈ શકશે નહીં. આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બર મહિનામાં થવાની શક્યતાઓ છે, જે પછી જ આ વિવાદનો કાયમી ઉકેલ આવી શકે છે.
આ વિવાદની શરૂઆત 2019 માં થઈ હતી, જ્યારે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે અમદાવાદની સિવિલ કોર્ટમાં કોપીરાઈટ એક્ટ હેઠળ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. રેડ રિબનનો દાવો છે કે આ ગીતના કોપીરાઈટ તેમણે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે, જેઓ ગીતના મૂળ સર્જક હોવાનું મનાય છે. કંપનીના કહેવા મુજબ, કિંજલ દવેએ આ ગીતની કોપી કરી યુટ્યુબ પર રિલીઝ કર્યું હતું. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30મી જાન્યુઆરી 2024થી ગીર પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મૂકાયો હતો.