Mumbai,તા.૨૧
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને અંત સુધી અણનમ રહ્યો હતો. વિરાટે ઇઝ્રમ્ માટે ૫૪ બોલમાં ૭૩ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે ૭ ફોર અને ૧ સિક્સ પણ ફટકારી હતી. વિરાટ કોહલી પોતાની બેટિંગ દરમિયાન ફુલ ફોર્મમાં હતો. આ ઉપરાંત જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પોતાની આક્રમકતા બતાવવાની તક જતી કરી નહોતી. વિરાટ કોહલીએ હરપ્રીત બ્રાર સાથે પણ આવા જ અંદાજમાં મશ્કરી કરી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે હરપ્રીત બ્રાર પંજાબ કિંગ્સ માટે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેની સાથે પંજાબીમાં વાત કરી હતી. જો કે વિરાટ કોહલીએ બ્રારને મજાકમાં આ વાત કહી હતી, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કારણ કે વિરાટે જે રીતે હરપ્રીત સાથે વાત કરી તે જોઈને કોઈને પણ પહેલી નજરે લાગશે કે તે ગુસ્સામાં બોલી રહ્યો છે.
વિરાટ કોહલીએ હરપ્રીત બ્રારને પંજાબીમાં કહ્યું, “મને અહીંયા ૨૦ વર્ષ થયા છે. હું તારા કોચને પણ ઓળખું છું. હવે એવું લાગે છે કે તારો હાથ સારો થઈ ગયો છે, તેથી તું ઝડપી બોલ ફેંકીને સ્ટમ્પ ઉડાડી દઈશ.” જો કે, વિરાટ કોહલીની આ પ્રતિક્રિયા પર હરપ્રીતે પોતાની જાતને શાંત રાખી અને વધુ બોલ્યો નહીં અને ફરીથી બોલિંગ કરવા લાગ્યો.
આ મેચની વાત કરીએ તો આરસીબી સામે ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની શરૂઆત બહુ સારી રહી નહોતી, પરંતુ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે મળીને મેચને એકતરફી બનાવી દીધી હતી. વિરાટ સિવાય પડિકલે ૩૫ બોલમાં ૬૧ રનની ઇનિંગ રમી હતી. આ રીતે આરસીબીએ ૧૮.૫ ઓવરમાં મેચ જીતી લીધી હતી.