Jam Khambhaliya, તા. 28
પશ્ચિમ ભારતના મહત્વના તીર્થસ્થાન દ્વારકાના ભવ્ય જગતમંદિરના શિખર પર ગઈકાલે સોમવારે ધ્વજા અડધી કાઠીએ લહેરાવાઈ હતી. કારણ કે ગઈકાલે સવારથી મોસમે મિજાજ બદલ્યો હતો અને વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું.
દ્વારકાના જગત મંદિરમાં દરરોજ છ ધ્વજાજી ચડાવવામાં આવે છે. અને ધજા ચડાવવા માટે ખૂબ મોટું વેઇટિંગ લિસ્ટ રહેલું છે. ભક્તોની મનોકામના પૂર્ણ થયે ધ્વજાજી ચડાવીને ભક્તો શ્રીજી સમક્ષ આભાર પ્રગટ કરે છે. તડકો હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય પરંતુ કાયમ છ ધ્વજાજી ચડાવવાનો નિયમ રહેલો છે.
દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજાજી ચડાવવાનું કામ કરે છે. 150 ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ 25 ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે.
હવામાન ખાતાની આગાહી અનુસંધાને ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજા સુરક્ષાના કારણોસર અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

