Patna,તા.26
બિહાર વિધાનસભા ચુંટણીમાં રાષ્ટ્રીય જનતાદળના સફાયા બાદ હવે લાલુપ્રસાદ-રાબડીદેવી પરિવારની મુશ્કેલી વધી રહી છે. એક તરફ તેઓને જમીનના આવાસો-નોકરી સહિતના ભ્રષ્ટાચાર સંબંધી કેસમાં હવે ચાર્જશીટ મુકાયા બાદ કાનુની કાર્યવાહીનો સામનો કરવાનો છે તે સમય બીહાર સરકારે હવે રાબડીદેવીને તેમનો સરકારી બંગલો જે પટણા 10 સર્કયુલર રોડ પર આવ્યો છે તે ખાલી કરવા નોટીસ અપાઈ છે.
રાબડીદેવી તથા લાલુપ્રસાદ તેમના પરિવાર સાથે બે દશકાથી આ બંગલામાં રહે છે પણ પુર્વ મુખ્યમંત્રીના નાતે હવે રાબડીદેવીને પટણાના 39 હોર્ડીંગ રોડ પરનો બંગલો ફાળવીને આ બંગલો ખાલી કરવા આદેશ અપાયો છે.
રાબડીદેવી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા છે અને તેમનો આ 10 સર્કયુલર રોડ પરનો વિશાળ બંગલો રાજદના હેડકવાર્ટર જેવો જ બની ગયો હતો. અગાઉ 2019માં પટણા હાઈકોર્ટે જ પુર્વ મુખ્યમંત્રીને જીવનભર બંગલા સહિતની સુવિધાની વ્યવસ્થા ફગાવી હતી. 2005 પુર્વે લાલુ-રાબડી લગભગ 15 વર્ષ સતામાં રહ્યા હતા.
તે સમયે અર્ણે માર્ગ પર મુખ્યમંત્રી માટેના બંગલો તેમનું ઘર હતું પણ નીતીશકુમાર મુખ્યમંત્રી બનતા લાલુ પરિવારને આ બંગલો ફાળવાયો હતો. જે મુખ્યમંત્રી આવાસની બાજુમાં જ છે તો તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનતા દેશરત્ન માર્ગના બંગલો ફાળવાયો હતો પણ 2017માં તેજસ્વી યાદવને બંગલો ખાલી કરવા નોટીસ અપાતા તે સમયે તેઓએ હાઈકોર્ટમાં જઈને બંગલો યથાવત રાખવા માંગ કરી પણ હાઈકોર્ટે પુર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલા, ગાડી, સુરક્ષા, સ્ટાફ વિ. સુવિધા રદ કરી હતી પણ રાબડીદેવી વિધાન પરિષદમાં અને તેજસ્વી યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા હોવાથી બંગલા યથાવત રહ્યા હતા પણ હવે તે ખાલી કરવો પડશે.

