New Delhi તા.2
હાલમાં જ ‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાના અચાનક જ થયેલા મૃત્યુ પાછળના રહસ્યએ ફરી એક વખત દેશમાં આ પ્રકારે કાર્ડિયાક એરેસ્ટથી લઇને હાર્ટ એટેક સહિતના કારણે જે અચાનક જ મૃત્યુ થાય છે અને તેમાં વ્યકિતને બચાવવા માટે કોઇ તક મળતી નથી તેવી શરૂ થયેલી ચર્ચા વચ્ચે વધુ એક વખત પોસ્ટ કોવિડ કે લોંગ કોવિડને તેના માટે જવાબદાર ગણાવાઇ રહ્યું છે.
જોકે હાલમાં જ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ (એનસીડીસી)એ પોતાના અભ્યાસના અંતે સ્પષ્ટ કર્યુ છે કે આ પ્રકારે થતા અચાનક જ મૃત્યુ અને તેની સાથે કોવિડ-19 કે તેને વેકસીનેશનને કોઇ સંબંધ નથી.
આ બંને સંસ્થાઓ દ્વારા અગાઉ પણ સ્પષ્ટ કરાયું હતું કે કોવિડ વેકસીન કે જે દેશમાં અંદાજે 80 કરોડથી વધુ લોકોને ડબલ અને ત્રિપલ ડોઝ મારફત અપાઇ હતી તે અત્યંત સલામત હતી અને તેના કારણે સાઇડ ઇફેકટ કે અત્યંત ગંભીર અસર એ બહુ જવલ્લે જ કેસમાં જોવા મળી છે.
જયારે અકંદરે વેકસીન લીધા બાદ કોઇ પ્રકારે અચાનક જ મૃત્યુ થયાના કેસ નોંધાયા નથી. આઇસીએમઆર અને એનસીડીસીએ પોતાના અગાઉ પણ કરેલા અભ્યાસ અને હાલના ફરી વખત મેળવેલા તારણોને આગળ ધરીને અચાનક જ થતા મૃત્યુ પાછળ અને ખાસ કરીને 18 થી 45 વર્ષના યુવા વયે આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે તેના માટે લાઇફ સ્ટાઇલને વધુ જવાબદાર ગણાવી છે.
બંને સંસ્થાઓએ અલગ અલગ સંશોધનમાં પણ તથા આ પ્રકારના મૃત્યુમાં રીયલ ટાઇમ ઇન્વેસ્ટીગેશન મારફત પણ એ નિશ્ચિત કર્યુ છે કે લોંગ કોવિડની કોઇ ભૂમિકા જ નથી. આ પ્રકારના અણધાર્યા અને અચાનક મૃત્યુ અંગે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇપીડેમોલોજી (એનઆઇઇ)એ પોતાનો સર્વે કર્યો છે.
તે અંગે ભારતની સ્થિતિ પર એક રીપોર્ટ પણ મેથી ઓગષ્ટ, 2023 વચ્ચેના અભ્યાસ બાદ તૈયાર કર્યો છે. જેમાં 47 અલગ અલગ હોસ્પિટલો અને કુલ 19 રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં પણ એ નિશ્ચિત થયું છે કે કોવિડ-19ના વેકસીનેશનની અસર તેના માટે કોઇ રીતે જવાબદાર નથી અથવા તો આ પ્રકારની વેકસીન એ યુવાઓમાં અચાનક મૃત્યુના કારણ પણ બની નથી.
આ ઉપરાંત અન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં આ પ્રકારના અચાનક મૃત્યુના કારણો જાણવા માટે ઓલ ઇન્ડિયા ઓફ ઇન્સ્ટીટયુટ મેડીકલ સાયન્સ-નવી દિલ્હીએ આઇસીએમઆરની સાથે અભ્યાસ કર્યો હતો અને તેનું મુખ્ય કારણ યુવાનોમાં થતા અચાનક મૃત્યુના કારણ અંગે માહિતી મેળવવાનો હતો જેથી ભવિષ્યમાં તબીબી જાગૃતતા લાવી શકાય.
જેમાં એ પણ જણાવ્યું કે આ પ્રકારના પેટર્નમાં અગાઉ પણ જે મૃત્યુ થતા હતા તેમાં કોઇ મોટો ફેરફાર નોંધાયો નથી અને ખાસ કરીને આ પ્રકારન મૃત્યુમાં જીનેટીક મ્યુટેશનને સંભવિત કારણ તરીકે ગણવામાં આવ્યું છે. પરંતુ તેના પર હજુ અભ્યાસ ચાલુ છે.
જીનેટીક મ્યુટેશનએ અનુવાંશિક બદલાવ જેવી જટીલ સ્થિતિ છે અને તેને સરળ ભાષામાં સમજવી હોય તો એમ કહી શકાય કે તેમાં લોકોની ખાનપાન સહિતની પધ્ધતિઓ બદલાઇ અને લાઇફ સ્ટાઇલ પણ અલગ બની તેની અસર આ પ્રકારે જોવા મળી શકે છે.
અંતે એ પણ નિશ્ચિત કરાયું કે, રીસ્કી લાઇફ સ્ટાઇલ એ સૌથી મહત્વનું કારણ છે. પરંતુ વેકસીનેશનની તેમાં કોઇ ભૂમિકા નથી વાસ્તવમાં કોવિડ વેકસીને લાખો લોકોના જીવન બચાવ્યા હતા.