New Delhi,તા.19
રેલવેમાં મુસાફરોને વધતી સુવિધા તથા ટ્રેનો-સ્ટેશનોને આધુનિક બનાવવાની કવાયત વચ્ચે હવે ટે્રનોમાં પણ વિમાન જેવા નિયમો દાખલ કરવાની તૈયારી છે વિમાનમાં મુસાફરોને સામાન લઈ જવાની મર્યાદા છે તે જ ધોરણે રેલવેમાં પણ લાગુ થશે.
રેલવે તંત્રના સુત્રોએ કહ્યું કે દેશના મહત્વના રેલવે સ્ટેશનોએ પ્રથમ તબકકે આ નિયમ લાગુ થશે. પ્રવાસીઓએ ટે્રનમાં ચડતા પૂર્વે વજનકાંટા પર પોતાના સામાનનું વજન કરાવવું પડશે અને નિયત માત્રામાં વજન ધરાવતાં સામાનને લઈ જવાની છુટ્ટ રહેશે. નિયમ કરતાં વધુ વજન માટે ચાર્જ ચુકવવો પડશે.
આ ઉપરાંત રીડેવલપ કરાયેલા અમુક રેલવે સ્ટેશનોમાં પ્રિમીયમ સિંગલ બ્રાન્ડ આઉટલેટની પણ યોજના છે. અર્થાત કોઈ એક જ કંપનીનાં આઉટલેશ રહેશે.
આ પગલાથી કપડા, પગરખા ઈલેકટ્રોનિકસ સહિત અનેકવિધ પ્રોડકટ વેચતી કંપનીઓને રેલવે સ્ટેશનોને વેચાણમાં રસ પડશે. રેલવેને વધુ કમાણી શકય બનશે મુસાફરોને એરપોર્ટ જેવી અનુભુતિ થશે.
સુત્રોએ કહ્યું કે, પ્રવાસીઓ માટે વજન મર્યાદા શ્રેણીના આધારે નકકી થશે.ફર્સ્ટકલાસ એસીનાં પ્રવાસીઓને 70 કિલો, સેકન્ડ કલાસ એસીમાં 50 કિલો, થ્રી ટાયર એસી તથા સેકન્ડ કલાસ સ્લીપરમાં 40 કિલોની મર્યાદા રાખવાની દરખાસ્ત છે.
જનરલ કલાસનાં મુસાફરો માટે 35 કિલોની મર્યાદા નકકી થશે વધુ પડતા મોટા કદના સામાન (ઓવરસાઈઝડ બેગ) માટે વધરાના ચાર્જ અથવા પેનલ્ટીની જોગવાઈ રહેશે.
રેલવેનાં સીનીયર અધિકારીએ કહ્યું કે, ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોનાં પ્રવાસીઓની મુસાફરી આરામદાયક રહે તે માટે આ દિશામાં વિચારણા છે. પ્રથમ તબકકે પ્રયાગરાજ, કાનપુર, અલીગઢ જેવા રેલવે સ્ટેશનોને આવરી લેવાશે. પ્રયાગરાજ રેલવે સ્ટેશનનું 970 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થઈ રહયું છે.