New Delhi,તા.18
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. બિહારમાં ચૂંટણી મતદારયાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને પડકારતી અરજી પર ગયા સપ્તાહના અંતે સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને બે મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા. આ બે નિર્દેશોમાં નામ રદ કરાયાની યાદી કારણો સાથે પ્રકાશિત કરવા અને દાવાઓ માટે આધારને સ્વીકારવાનો સમાવેશ થાય છે. ત્યારે હવે ચૂંટણી પંચે SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જે મતદારોના નામ રદ કરાયા હતા તેમની યાદી સત્તાવાર વેબસાઈટ https://www.eci.gov.in/ પર જાહેર કરી દીધી છે. જેથી તમામ મતદારો સરળતાથી પોતાની માહિતીની પુષ્ટિ કરી શકે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ કામગીરી માટે 19 ઓગસ્ટ સુધીનો અલ્ટીમેટમ આપ્યું હતું. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની માહિતી જાહેર કરે. જેથી કોઇ ભૂલ થઈ હોય તો તેની જાણ થાય અને તેને સુધારવાની તક મળે.’ નોંધનીય છે કે, હવે આ મુદ્દે આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે.
ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં 24 જૂનથી 25 જુલાઈ સુધી હાથ ધરાયેલ SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં વ્યક્તિગત મતદારો દ્વારા 10,570 ફોર્મ મળ્યા છે, ત્યાર બાદ તેમાંથી કેટલાક મહત્ત્વના નિષ્કર્ષ જારી કર્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 24 જૂન સુધીની SIR પ્રક્રિયામાં સામે આવ્યું છે કે, બિહારમાં કુલ 7.89 મતદારો હતા, જેમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે, જ્યારે 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું, 36 લાખ મતદારો કાયમ માટે બીજે જતા રહ્યા હોવાનું, જ્યારે સાત લાખ મતદારોના નામ અનેક ક્ષેત્રોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.