Ahmedabad,તા.15
રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાની રાઈડ્સનો વિવાદ એસઓપીના મામલે આ વખતે ચકડોળે ચડી ગયો છે.
જે શાંત થવાનું નામ લેતો ન હોય આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુદ આ મામલો અગ્રસચિવ મનોજ દાસને સોંપતા હવે આ પ્રકરણમાં રાહતપૂર્ણ ઉકેલ આવવાના સંજોગો સર્જાયા છે.
લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ ગઈકાલે સાંસદ પરસોતમ રૂપાલાની સાથોસાથ ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાઈડસની એસઓપીમાં બાંધછોડ કરવાની માંગણી સાથે સતત બીજી વખત રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાઈડસ સંચાલકોની આ રજૂઆત સાંભળી અગ્રસચિવને રાઈડસની એસઓપીના મુદે વચલો રસ્તો કાઢવાની સલાહ આપી હતી.જણાવ્યું હતું કે જો આ પ્રશ્ને પગલા ન લેવાય તો લોકમેળાની પરંપરા જ ખત્મ થઈ જશે જેથી રાઈડસની એસઓપીના મુદે માર્ગ કાઢવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અગ્રસચિવ મનોજ દાસને સલાહ આપી હતી.
દરમ્યાન રાઈડસ સંચાલક ક્રિષ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાઈડસની એસઓપીના મુદે તેઓ દ્વારા અત્યાર સુધીમાં સાંસદ પરસોતમ રૂપાલા તેમજ ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી હર્ષ સંઘવી, તેમજ રાજય સરકારના યાંત્રિક વિભાગના મુખ્ય સચિવને રજૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તેઓના પ્રશ્ને પોઝીટીવ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓની આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેઓના અગ્રસચિવને આ મામલો સોંપી દીધો છે. જેના પગલે આ પ્રશ્ને રાહતપૂર્ણ ઉકેલ આવે તેવો આશાવાદ છે. હવે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના પગલા તરફ મીટ મંડાયેલી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે નિર્ધારીત સમયમાં એસઓપીનું પાલન કરી ફોર્મ નહીં જમા નહી કરાવનાર મોટી રાઈડસ સંચાલકોને મેળામાં પ્રવેશ અપાશે નહીં અને મોટી રાઈડસ સંચાલકો ફોર્મ ન ભરે તો મોટી રાઈડસ વગર જ આ મેળો યોજવામાં માટે તૈયારી દર્શાવી હતી.
તેની સાથોસાથ કલેકટર ડો.ઓમપ્રકાશે એવી પણ જાહેરાત કરી હતી કે લોકમેળાના સ્ટોલ અને નાની રાઈડસ માટે ફોમની મુદતમાં ત્રણથી પાંચ દિવસનો વધારાનો સમય અપાશે. પરંતુ લોકમેળાને આડે માંડ એક મહિના જેવો સમય રહ્યો છે તેમ છતા હજુ લોકમેળાના સ્ટોલ માટે ફોમની મુદત લંબાવાની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જેના પગલે વેપારીઓની સાથોસાથ સીટી પ્રાંત-2 કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ અવઢવમાં મુકાઈ જવા પામેલ છે. બીજી તરફ રાઈડસ સંચાલક ક્રિષ્નકુમારસિંહ જાડેજાએ એવું પણ જણાવ્યું હતું કે રાઈડસની એસઓપીમાં જો છુટછાટ અપાશે તો તેઓએ મેળામાં ભાગ લઈ આઠ દિવસની અંદર જ રાઈડસ ખડકી દેવાશે તેમ જણાવ્યું હતું.
હવે રાઈડસના મુદે વહીવટી તંત્ર અને રાજય સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પ્રત્યે રાઈડસ સંચાલકો, વેપારીઓ અને નગરજનોની મીટ મંડાયેલી છે.