Ahmedabad,તા.૨૩
અમદાવાદીઓ આખું વર્ષ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે અષાઢી બીજ તા. ૨૭ જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે. આ વર્ષે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની મોટી દુર્ઘટના થઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેનમાં સવાર ૨૪૧ લોકોના મોત નીપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના નિધનના કારણે રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ૧૪૮મી રથયાત્રા સાદાઈથી યોજાશે કે ભવ્ય રીતે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. આ મોટા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. અમદાવાદ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, “આ વખતે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી દીધી છે. આ વખતે પણ રથયાત્રા પરંપરાગત રીતે વાજતે ગાજતે નીકળશે.”
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મહત્તવપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ૨૭મી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે જ યોજાશે. આ અંગે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી છે. આ વખતે પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ૧૮ ગજરાજો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ૧૨૦૦ ખલાસીઓ અનેક ભક્તો ઉલ્લાસપૂર્ણ જોડાશે. સાધુ સંતો, ઉજ્જૈન સહિતથી ભાંડરાનું આયોજન કરવામાં આવ્યું છે. પહિંદવિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે.
મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યુ છે કે, અમાસના દિવસે ૨૫ જૂને ભગવાન મામાના ઘરેથી નિજ મંદિર આવશે. તે દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ૨૬ જૂને અષાઢ સુદ એકમના દિવસે સોનાવેશ, રથનું મંદિર પ્રાંગણમાં પૂજન થશે. એકમના દિવસે એટલે ૨૬ જૂને સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. અષાઢી બીજે ૨૭ જૂને દેશના ગૃહમંત્રી અમિત શાહ સવારે ચાર વાગે મંગળા આરતીમાં ઉપસ્થિતિ રહેશે. રથયાત્રાના દિવસે ખીચડીનો ભોગ આપવામાં આવશે. પાંચ વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ૬ વાગે આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળશે. જે બાદ સાત વાગે મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે. રથયાત્રા એક ભક્તિ છે કોઈ મનોરંજન કાર્યક્રમ નથી.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ભગવાનની રથયાત્રામાં ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો કેરી, ૫૦૦ કિલો જાંબુ આ સાથે કાકડી અને દાડમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ભગવાનની આંખ પર જે કાપડ લગાવવામાં આવે છે તે ઉપરણાં તે પણ બે લાખની સંખ્યામાં રથ યાત્રા દિવસે ભગવાનના પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે.