Maharashtra,તા.04
રાજ્યપાલને સરકાર બનાવવાનો પ્રસ્તાવ સોંપ્યા બાદ મીડિયા કોન્ફરન્સને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ‘આવતીકાલે શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. તેમજ મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષ (ભાજપ, શિવસેના, એનસીપી)ના નેતા પણ ઉપસ્થિત રહેશે. સીએમ અને ડેપ્યુટી સીએમ પદ એ માત્ર ટેક્નિકલ પોસ્ટ છે. મહારાષ્ટ્ર માટે અમે સાથે મળીને કામ કરીશું. અન્ય મંત્રીઓની નિમણૂક આગામી બેઠકોમાં જાહેર કરવામાં આવશે.’
આવતીકાલે લેશે શપથ
સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા.
આજે બપોરે ગવર્નરની મુલાકાત લીધી
મહાયુતિ ગઠબંધનના દિગ્ગજ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, અને એકનાથ શિંદે એક જ કારમાં બપોરે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યપાલને નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સનીે સંબોધિત કરી હતી. મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લેશે.
મંત્રી ફોર્મ્યુલા જાહેર કરી
મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી(અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.
અજિત, એકનાથ બનશે ડેપ્યુટી સીએમ
મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષના નેતાઓ અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.