એસ.ઓ.જીએ દરોડો પાડી ૧૦ કિલો ગાંજા સાથે પડધરીના શખ્સને ઝડપી લીધો હતો
Rajkot,તા.27
એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટે આરોપી મજીદ સતાર ગલેરીયાની આશરે ૧૦ કિલો ગાંજાના કેસમાં ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.આ અંગેની હકીકત મુજબ, ૧૩/ ૦૩/ ૨૦૨૫ના રોજ એસ.ઓ.જી. બ્રાંચના પી.આઈ. એસ. એમ. જાડેજા અને સ્ટાફે જામનગર હાઇવે ઉપર ધંટેશ્વર પાર્કની સામેના ભાગે કર્નલ બંગલા પાસે જાહેર રોડ ઉપરથી મજીદ સતારભાઈ ગલેરીયા (રહે. ગીતાનગર શેરી નં. ૩, બ્લોક નં. ૩, ગવર્ન્મેન્ટ સ્કુલ પાછળ, પડધરી)ના કબજા ભોગવટામાંથી કોઈપણ જાતના પાસ પરમીટ વગર કે આધાર વગર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો કુલ જથ્થો ૯.૯૮૮ કિ.ગ્રામ તથા મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને આરોપીનો કબજો સોપેલ. સદરહું ગુનાના કામે ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ આરોપી મજીદે રાજકોટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર છુટવા જામીન અરજી ફાઈલ કરી હતી.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થઇ કોર્ટમાં પોલીસ અભિપ્રાય, પોલીસ પેપર્સ વિગેરે રજુ રાખેલા અને એ રીતની દલીલો કરેલી કે આરોપી સામે પ્રાઈમાફેસી કેસ છે, આરોપી પાસેથી તેના ફીઝીકલ તેમજ કોન્સીયસ પઝેશનમાંથી ગાંજાનો જથ્થો મળેલ હોવાના સીઝર મેમામાં આરોપીની સાઈન છે. આરોપી મજીદ આ ગાંજાનો જથ્થો આ કામના અન્ય આરોપી વિજય ઉર્ફે ભવ્યા અશોક કુલપતિ (રહે. સુરત) પાસેથી લઈ આવેલ છે, જેને અટક કરવાનો બાકી છે. સદર ગાંજાનુ ગાંધીનગર આરોપી મજીદ સામે કુલ છ ગુના નોંધાયેલા છે, જેમાંથી બે ગુના તો એન.ડી.પી.એસ. એકટના જ છે જે ખુબ ગંભીર બાબત છે. આરોપી પાસેથી મળેલો ગાંજાનો જથ્થો ઈન્ટરમિડિએટ કવોન્ટિટીનો છે પરંતુ આનાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી તથા આરોપી સામે પુરતો પુરાવો હોય ચાર્જશીટ ફાઈલ થયેલું છે. સરકારી વકીલની દલીલો, પોલીસપેપર્સ અને અભિપ્રાય, આરોપીની વર્તણુંક, આરોપીનો ગુનાહિત ઈતિહાસ ધ્યાને લઈ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ, રાજકોટે અરજદાર/આરોપી મજીદ સતારભાઈ ગલેરીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.