Patna,તા.16
ભારતીય એરલાઈન્સ પર હાલ ‘ગ્રહણ’ સર્જાયુ હોય તેવી પરિસ્થિતિમાં વિમાની દુર્ઘટનામાં હાલમાં જ અમદાવાદ લંડન ફલાઈટને જે રીતે અત્યંત કરૂણ અકસ્માતનો સામનો કરવો પડયો તે બાદ પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
તે વચ્ચે આજે પટણા એરપોર્ટ પર ઈન્ડીગોની એક ફલાઈટ એ લેન્ડીંગ કર્યા બાદ તે ‘ઓવર શુટ’ની સ્થિતિમાં પહોંચતા મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સર્જાયો હતો. પરંતુ પાઈલોટે આખરી ઘડીએ કુશળતા પૂર્વક વિમાનને અનિયંત્રીત થતા રોકીને ફરી એક વખત હવામાં લીધુ હતું.
ગો-એરાઉન્ડની પ્રક્રિયા પુરી કરીને ફરી સફળ લેન્ડીંગ કરાવ્યું હતું. પટણા એરપોર્ટનો રન-વે ટુંકો હોવાથી આ પ્રકારની દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. મંગળવારે રાત્રે 9 વાગે દિલ્હીથી આવેલી ઈન્ડીગો એરલાઈનની ફલાઈટ 6C-2482 તેના નિર્ધારીત સમયે રનવે પર ઉતરવા માટે પહોંચ્યું હતું અને તે દરમ્યાન તે ટચટાઉન ઝોન એટલે કે વિમાનને પ્રથમ જયાં લેન્ડીંગ ગીયરને રનવેનો સ્પર્શ કરવાનો હોય તેના પગલે તે આગળ નિકળી ગયું હતું.
રનવે ટુકો હોવાથી વિમાન પુરી રીતે રોકી શકાશે નહીં તે ખ્યાલ આવતા જ પાઈલોટે ફરી એક વખત વિમાન રનવેથી ઉતરી પડે તે પૂર્વે હવામાં લઈ લીધુ હતું અને બાદમાં નિર્ધારીત ચકકર મારીને સલામત લેન્ડીંગ કરાવ્યું હતું. જો તેમ ન થયું હોત તો મોટી દુર્ઘટનાનો ભય હતો.
રનવે ઓવર શુટ એ એવી સ્થિતિ છે કે, જયાં પાઈલોટ રનવેના નિશ્ચિત અંતરે વિમાનને રોકવામાં સફળ થતા નથી અને બાદમાં તે અન્ય લેન્ડમાં ચાલ્યા જાય અથવા તો રનવે પુરો થતો હોય તે મર્યાદા બહાર જાય તે સમયે ઓવર શુટની સ્થિતિ બને છે.