Ahmedabad,તા.૧૬
રાજ્યના કડિયા નાકાઓ ઉપરાંત હવે બાંધકામ સાઇટ પર પણ શ્રમિકો માટે રાજ્ય સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવા જઈ રહી છે. હાલમાં અન્નપૂર્ણા કેન્દ્રો પર માત્ર ૫ રૂપિયાના ટોકન દરે શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં વધુ ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમિકોને પૂરતું અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે બાંધકામ સાઇટ પર પણ શ્રમિકો માટે ફૂડ વેન મારફતે ભોજન પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવા કેન્દ્રો શરૂ થતાં રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમાં યોજનાનો વ્યાપ વધશે. મહત્વની વાત એ છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના માટે અંદાજે ૨૯૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ દિશામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. વર્ષ ૨૦૧૭માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાક, કઢી, ભાત અને લાડુ સહિતની વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ યોજનાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવાની યોજના છે. આ વિસ્તરણથી રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમાં યોજનાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, અત્યાર સુધીમાં શ્રમિકોને પાંચ કરોડથી વધુ ભોજન પીરસવામાં આવ્યાં છે. આ માટે અંદાજે ૨૯૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સેક્રેટરી લોચન શહેરાએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના ૨૦ જિલ્લાઓમાં આ યોજનાનું સંચાલન થઈ રહ્યું છે. નવા કેન્દ્રો શરૂ થવાથી દૈનિક ભોજન વિતરણની સંખ્યામાં અંદાજે ૧૦ હજારનો વધારો થવાની શક્યતા છે. પરિણામે દરરોજ આશરે ૪૫ હજાર ભોજનનું વિતરણ થઈ શકશે.
બાંધકામ શ્રમિકોને કામના સ્થળેથી દૂર જઈને ભોજન મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સાઇટ પર જ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં ૫૦૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય, ત્યાં ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. આ વ્યવસ્થાનો હેતુ શ્રમિકોને કામના સ્થળે જ ભોજન પૂરું પાડવાનો છે, જેથી તેમને ભોજન માટે કામ છોડીને દૂર જવાની જરૂરિયાત ન રહે અને તેમનો સમય પણ બચે.

