Mumbai,તા.31
2008ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ પછી આવેલા ચુકાદામાં ખાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) અદાલતે ભાજપના પુર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર તથા લશ્કરના પુર્વ લેફ.કર્નલ પ્રસાદ પુરોહીત સહિત તમામ સાત આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો છે.
નાસિકના માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008ના થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે આપેલા ચુકાદામાં આરોપીઓ સામે કોઈપણ અપરાધ સાબીત થતો ન હોવાનું જણાવ્યું હતું. આ બોમ્બ ધડાકાના હિન્દુ અને ભગવા આતંકવાદ તરીકે બદનામ કરાયો હતો અને તેમાં સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓ સામે યુએપીએ સહિતની કલમો લગાવી હતી.
જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલના ચેસીઝ નંબર જે ભૂંસી નંખાયા હતા પરંતુ તે મોટર સાયકલ પ્રજ્ઞા ઠાકુરનું હોવાનું કોઈ વિશ્વાસપાત્ર પુરાવા નથી અને અદાલતે એ પણ નોંધ્યું કે પ્રજ્ઞા ઠાકુરે આ બ્લાસ્ટના બે વર્ષ પુર્વે જ સંન્યાસ લઈ લીધો હતો.
તેઓ સામાજીક રીતે અલગ થઈ ગયા હતા. ખાસ કોર્ટના ન્યાયમૂર્તિએ એ પણ જણાવ્યું કે જે સ્થળે બોમ્બ મુકાયો હતો તે ત્યાં મળેલ મોટરસાયકલ મારફત જ મુકાયો હતો તે સાબીત થયુ નથી. ઉપરાંત તપાસના સમયે વિસ્ફોટકના સ્થળનું યોગ્ય બેરીકેટેડ કરવામાં આવ્યું ન હતું જેના કારણે પુરાવાઓને યોગ્ય રીતે મેળવી શકાયા ન હતા.
ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા હતા. અદાલતે એ નોંધ્યું હતું કે લેફ. કર્નલ પ્રસાદ પુરોહિત એ આરડીએકસ તેમના નિવાસે રાખ્યો હતો તે કાશ્મીરથી મેળવાયો હતો અને તેમના નિવાસે જ તેમાંથી વિસ્ફોટક બનાવાયા હતા તે પણ સાબીત થતુ નથી.
અદાલતે આ સમયે ભગવા આતંકવાદની થિયરીને ફગાવતા કહ્યું કે વાસ્તવમાં આતંકને કોઈ ધર્મ હોતો નથી અને તેથી જ તેને ભગવા આતંકવાદ તરીકે પણ સ્વીકારી શકાય નહી. સાધ્વી પ્રજ્ઞા સહિતના તમામ આરોપીઓ હાલ જામીન પર હતા અને તેઓ આજે અદાલતમા હાજર હતા જેમાં તમામનો નિર્દોષ છુટકારો થતા અદાલતમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
શું થયુ હતું માલેગાવ બ્લાસ્ટમાં
અભિનવ ભારત સંગઠન મારફત હિન્દુ રાજયની સ્થાપના માટે આતંકી કૃત્ય કરાયાનો આરોપ હતો
અદાલતે આજે જે આરોપીઓને દોષમુક્ત કર્યા છે તેમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત ઉપરાંત મેજર રમેશ ઉપાધ્યાય અજય રાનીકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર દ્વીવેદીનો સમાવેશ થાય છે.
અગાઉ યુપીએ સરકારના સમયમાં નોંધાયેલા કેસમાં અભિનવ ભારત સંગઠન મારફત એક મોટુ ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાનું જણાવીને કેન્દ્રીય હિન્દુ સરકાર રચવા માટે માલેગાવમાં મુસ્લીમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક બોમ્બ વિસ્ફોટ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.
તેની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાઈ હતી જેમાં કર્નલ પુરોહિતે કાશ્મીરમાંથી આરડીએકસ મેળવીને પ્રજ્ઞા ઠાકુર અને અન્યની મદદથી મોટરસાયકલ પર બોમ્બ ગોઠવીને તેનો વિસ્ફોટ થાય તેવી વ્યવસ્થા કરી હતી.
આ સમગ્ર કેસ 18 વર્ષ ચાલ્યો અને પાંચ ન્યાયમૂર્તિઓ બદલાયા હતા અને હાલના ન્યાયમૂર્તિ એ.કે.લાહોટી પોતાનો ચુકાદો આપી શકે તે માટે તેમની નિવૃતિ વયમર્યાદા ખાસ કેસમાં વધારાઈ હતી. આજે અદાલતે 4528 પાનાનો પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કુલ 323 સાક્ષીઓને તપાસાયા હતા અને 37 તેમાં હોસ્ટાઈલ જાહેર થયા હતા.