એલસીબીએ દરોડો પાડી દારૂ અને વાહન મળી રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : જુનાગઢના શખસનું નામ ખુલ્યું
Dhoraji,તા.02
ધોરાજી તાલુકાના નાની વાવડી તથા સુપેડી વચ્ચેના રોડ પર બોલેરો પીકઅપ વાહન એલસીબીની ટીમે અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા ૩.૧૮ લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ઉપલેટાના કેરાળા ગામના શખસને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો અને વાહન મળી કુલ રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછતાછ કરતા જુનાગઢના શખસનું નામ ખુલતા ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ નીતિથી કામ કરવા જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે, ધોરાજી તાલુકાના નાની વાવડીથી સુપેડી વચ્ચેના રોડ પર એક શંકાસ્પદ વાહનમાં દારૂની હેરફેર થઈ રહી છે.આ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહન અહીંથી પસાર થતા પોલીસે તેને અટકાવી આ બોલેરોમાં તપાસ કરતા અંદરથી રૂ.3.18 લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ઉપલેટાના કેરાળા ગામે રહેતા બોલેરો ચાલક સરમણ ઉર્ફે વિજય રમેશભાઈ હુણને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન દારૂનો આ જથ્થો બોલેરો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો જુનાગઢમાં રહેતા વિપુલ માંડાભાઈ રબારીએ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી વિપુલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.